Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સાતમું પગાર પંચ-એસટીના ડ્રાઇવરો-કંડકટરોને માનસીક ત્રાસ સહીતના મુદ્દે સોમવારથી રાજયભરમાં એસટી કર્મચારીઓનો જંગ

સોમવારથી ત્રણ દિ' કાળી પટ્ટી ધારણ કરશેઃ તા.૧૩-૧૪ બપોરે સુત્રોચ્ચારઃ તા.ર૦-ર૧ ઘંટનાદ-રામધુનનો કાર્યક્રમ

રાજકોટ, તા., ૪: ગુજરાત એસટી બોર્ડના માન્ય ત્રણેય મુખ્ય સંગઠનો દ્વારા નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો-માંગણીઓ બાબતે વારંવાર લેખીત તેમજ મૌખીક રજુઆતો સરકાર અને નિગમના મેનેજમેન્ટ સમક્ષ કરવા છતાં નિંદ્રાધીન મેનેજમેન્ટ દ્વારા આજદિન સુધી એક પણ પ્રશ્નનો ઉકેલ લાવવા કે તે બાબતેની કોઇ હકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. જેથી ના છુટકે નિગમના ત્રણેય માન્ય સંગઠનો અને ઓફીસર્સ એસોસીએશનનાં સંકલન સમીતી દ્વાર આંદોલન આહવાન કરેલ છે. કર્મચારીઓના પડતર અગત્યના પ્રશ્નો-માંગણીઓ અને આંદોલનની રૂપરેખા જાહેર કરાઇ છે. જેથી કર્મચારીઓના પડતર પ્રશ્નો-માંગણીઓ અને નિગમ વિકાસના મુદ્દાઓને ધ્યાને લઇ સંકલન સમીતી દ્વારા આપવામાં આવેલું.

યુનિયનો દ્વારા ઉમેરાયું છે કે, એસ.ટી. નિગમ તે રાજયના છેવાડાના માનવીને ''નહીં નફો-નહીં-નુકશાન'' ના ધોરણે સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા પુરી પાડે છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ પુરેપુરો લાભ રાજયોની પ્રજાને આપે છે.

જયારે એસ.ટી. નિગમના અધિકારી/ કર્મચારીઓ પણ રાત દિવસે જોયા વગર, કુદરતી કે માનવસર્જીત ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવી રાજયની પ્રજાની સેવામાં અડીખમ ઉભા રહે છે. આમ છતાં જયારે તેમના હકક-હિસ્સાઓ આપવાના થાય ત્યારે સરકારશ્રી અને એસ.ટી. નિગમના મેનેજમેન્ટ વચ્ચે ફાઇલો અટવાયા કરે છે અને સતત અવગણના  થતી હોય તેવી પ્રતિતિ થાય છે.

આટ આટલી સેવાનિષ્ઠા હોવા છતાં નિગમનું નિષ્ઠુર વહીવટી તંત્ર એક યા બીજા બહાના હેઠળ આજે અધિકારીઓ, ડ્રાઇવર, કંંડકટર, મિકેનીકલ કક્ષાના કર્મચારીઓને ટાર્ગેટ કરી નુકશાન કરી રહેલ  છે. જી.પી. એસ. કે જે વાહનની સ્થિતિ અને પ્રવાસન સુવિધા માટે ઉપયોગમાં લેવાનું હોય છે તેને બદલે ડ્રાયવર/ કંડકટરને મેમો-ચાર્જશીટ આપી માનસિક ત્રાસ આપવાનું સાધન બની ગયેેલ છે. શીડયુલોમાં પુરતો રનીંગ ટાઇમ કે નિયમાનુસાર ઓ.ટી. આપવામાં આવતો નથી. ક્રુ-ડયુટીમાં તેમજ ટ્રીપોમાં વારંવાર મનસ્વી ફેરફારો કરવા તે રોજીંદી બાબત બની ગયેલ છે મિકેનીક સ્ટાફને પુરતો માલ-સમાન કે જરૂરીયાત ટુલ્સ આપવામાં આવતા નથી અને ૧૦૦ ટકા મેઇન્ટેનન્સની કામગીરી માગવામાં આવે છે. વાહનોની સ્થિતિ પુરતી સારી ન હોવા છતાં સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓ ૦ કેન્સેલેશન કી.મી. ૧૦૦ ટકા સંચાલનના લક્ષ્યાંકો આપી તેમને પણ સતત  ટોર્ચર કરવામાં આવે છે. આજે નિગમની પરિસ્થિતિ એવી છે કે કોઇ સુપરવાઇઝર કક્ષાની ફરજો બજાવવા તૈયાર નથી.

અગાઉની મીટીંગમાં મીનીટ્રસ બનાવવી, જોઇન્ટ કમિટીની રચના કરવી અને સાતમા પગાર પંચ મુદ્દે ચર્ચા કરી દરખાસ્ત મોકલવાની સરકારશ્રીની સ્પષ્ટ સુચના હોવા છતાં તેમજ તે બાબતે માન્ય સંગઠનો દ્વારા વારંવાર લેખિત તેમજ રૂબરૂ મળી મૌખિક રજુઆતો કરેલ હોવા છતાં કોઇ જ નક્કર પરિણામ મળવા પામેલ નથી. જયારે બે માસ જેટલા લાંબા સમય બાદ સાતમા પગાર પંચ માટે એક કમીટીનું ગઠન કરેલ છે પરંતુ તેની આજદિન સુધી એક પણ મીટી઼ગ બોલાવવામાં આવેલ નથી. કે કોઇ ચર્ચા કરવામાં આવેલ નથી, જેથી નિગમના મેનેજમેન્ટ દ્વારા માત્રને માત્ર લોલીપોપ આપવામાં આવેલ હોય તેવું જણાઇ આવે છે. ત્યારબાદ સંકલન સમિતિ દ્વારા તા.૧પ-૬-ર૦૧૮ના રોજ સરકારશ્રીને તેમજ નિગમના મેનેજમેન્ટને કર્મચારીઓની પડતર માંગણીઓ સબબ આખરી નોટીસ આપેલ અને જો નિરાકરણ નહીં આવે તો ના છુટકે તબકકાવાર આંદોલન કરવાનું જણાવેલ હોવા છતાં નિંદ્રામાં રાચતા આ મેનેજમેન્ટ દ્વારા કોઇ જ ગંભીરતા દાખવામાં આવેલ નથી કે આ બાબતે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આથી આંદોલનાત્મક કાર્યક્રમોમાં સોમવારથી ત્રણ દિવસ નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી લગાવીને વિરોધ નોંધાવશે. તા.૧૩-૧૪ના રોજ વિભાગીય કચેરીના મુખ્ય ગેઇટ આગળ બપોરના ૧૪ થી ૧પ સુધી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે.  તા.ર૦-ર૧ ના રોજ વિભાગીય કચેરી મુખ્ય ગેઇટ આગળ બપોરના ૧૪ થી ૧પ સુધી ઘંટનાદ અને રામધુનનો કાર્યક્રમ કરી વિરોધ નોંધાવશે. આમ છતા પ્રશ્નોનું હકારાત્મક પ્રતિભાવ સાથે નિરાકરણ નહી આવે તો સંકલન સમીતી દ્વારા આગળની રણનીતી મુજબ આંદોલનને ઉગ્ર બનાવી આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.

(3:57 pm IST)