Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજ્ય સરકારે સોશિયલ સેકટર-સામાજીક અધિકારીતાના ક્ષેત્રોને પ્રાધાન્ય આપી ગ્રામીણ-ગરીબ-છેવાડાના માનવીના હિત-ઉન્નતિને કેન્દ્રસ્થાને રાખ્યા છે:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે

ગાંધીનગરમાં કુટિર ઊદ્યોગ વિભાગના વિવિધ નિગમો દ્વારા પ૦૦ યુવા-બહેનો લાભાર્થીઓને રૂ. ૪૮ લાખના સાધન-સહાય વિતરણ: અત્યાર સુધીમાં ૧.ર૪ લાખ ગ્રામીણ લાભાર્થીઓને રૂ. ૬૦.પ૩ કરોડની સાધન સહાય અપાઇ: ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સાથે ગ્રામીણ કારીગરોને પણ બે ગણી આવકના અવસરો આપવા છે : પરંપરાગત હસ્તકલા કારીગરી-વ્યવસાયમાં ગુજરાતને નંબર વન બનાવવું છે : સાફ નીતિ – નેક નિયતથી કાર્યરત સરકારે પારદર્શીતાથી સાધન-સહાય આપી ગ્રામીણ ગરીબ-છેવાડાના માનવીને વિકાસ છલાંગ લગાવવા તેની આંગળી પકડી છે

       ગાંધીનગર :  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ સરકાર સોશિયલ સેકટર સામાજીક અધિકારીતાના ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને ગ્રામીણ કારીગરો, ગરીબ-વંચિત-શોષિતો છેવાડાના માનવીના હિતને કેન્દ્રસ્થાને રાખનારી સરકાર છે.

       આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોના-છેવાડાના વિસ્તારના કારીગરો, હાથશાળ, હસ્તકલા તથા નાના વ્યવસાયકારોને સાધન સહાય આપી સરકારે તેમને સ્વરોજગારીથી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા તેમની આંગળી પકડી છે.

       મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ આયોજિત સ્વરોજગારી સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં પ૦૦ જેટલા વિવિધ લાભાર્થીઓને ૪૮ લાખ રૂપિયાના સાધન-કીટ વિતરણ કર્યા હતા.

       આ વિભાગ હસ્તકના ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ, ગ્રીમકો, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટીટયૂટ તથા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧ લાખ ર૪ હજાર ૩૪૦ ગ્રામીણ યુવા-બહેનોને તાલીમ આપીને રૂ. ૬૦.પ૩ કરોડના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વરોજગારીના સાધન સહાય પ્રાપ્ત કરનારા લાભાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય રાખ્યો છે. આપણે પણ ગ્રામીણ કારીગરો-હસ્તકલા કસબીઓની આવક બમણી કરવાની નેમ સાથે વ્યાપક સાધન સહાય રોજગાર અવસરો આપવા છે.

       મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આઝાદી પછી અનેક વર્ષો સુધી ગરીબી, બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો જ થતી રહી પરંતુ નિયતમાં ખોટ હોવાથી કાંઇ પરિણામ આવ્યું નહિ.

       હવે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સાફ નીતિ અને નેક નિયત વાળી સરકાર આવતાં પારદર્શીતા અને પ્રામાણિકતાથી હરેક યોજનાના લાભાર્થીઓને લાભ-સહાય એક પણ પાઇ કોઇનેય આપ્યા વિના મળતા થયા છે તેમ તેમણે જણાવ્યું હતું.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગ્રામીણ કારીગરો, હસ્તકલા, હાથશાળ, પરંપરાગત વ્યવસાય કરનારા નાના કારીગરોને તેમનો આ વ્યવસાય વધુ વિકસાવવાની વ્યાપક તક મળે, હસ્તકલા-પરંપરાગત વ્યવસાયમાં ગુજરાત નંબર વન બને તેવી વિકાસની છલાંગ લગાવવાનો અવસર મળે તે માટે સરકાર તેમની પડખે ઊભી છે.

ગરીબ-અમીરની ખાઇ દૂર કરી હર હાથ કો કામ નો મંત્ર આ સરકારે અપનાવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

       તેમણે ગુજરાત રોજગારી આપવામાં છેલ્લા દોઢ દાયકાથી અવ્વલ છે તેમ જણાવતાં કહ્યું કે, ગ્રામીણ કારીગરો-બહેનો-માતાઓને આર્થિક આધાર આપવા આવા સ્વરોજગાર સાધન સહાય વિતરણ સાથે તાલીમ પણ આપીને રોજગારી-આર્થિક આધાર આપ્યો છે.

       ગુજરાતે એકલાએ દેશ આખાના ૮પ ટકા રોજગારી આપી છે તેનો પણ તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.

કુટિર ઉદ્યોગ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ મુખ્ય મહેમાન પદેથી જણાવ્યું હતું કે, ‘‘સ્વરોજગારીથી સ્વાવલંબન’’ એ રાજય સરકારનો કર્મમંત્ર છે.

કુટિર ઉદ્યોગ હેઠળના અલગ અલગ નિગમો દ્વારા જે તાલીમ અપાઈ છે તેને અનુલક્ષીને લાભાર્થીઓને ઘર આંગણે રોજગાર મળે તે માટે ‘કીટ’નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ તાલીમાર્થી કારીગરો-કર્મશીલો દ્વારા હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનું દેશ-દુનિયામાં નામ થશે એમ પણ તેમણે જણાવ્યું હતું. હસ્તકલા અને હાથશાળનું કૌશલ્ય એ આપણી પરંપરા છે તેનું જતન-સંવર્ધન કરવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

તેમણે કહ્યું કે, પ્રદૂષણ નિયંત્રણ માટે પણ ગુજરાત સરકાર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને ગણેશોત્સવ દરમિયાન ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવા માટે છેલ્લાં ચાર વર્ષોથી પ્રયાસો કર્યાં છે અને ૪ હજારથી વધુ કારીગરોને તાલીમ પણ રાજ્ય સરકારે આપી છે.      

આ પ્રસંગે ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિ-ગ્રીમકોના ચેરમેન શ્રી મેઘજીભાઈ કણઝારીયાએ સ્વરોજગારલક્ષી તાલીમ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ અને સ્વાવલંબન ક્ષેત્રે ગ્રીમકોના પ્રદાનને દોહરાવ્યું હતું.

ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શ્રી શંકરભાઈ દલાવાડીએ ગાંધીનગર ખાતે યોજાયેલી ગરવી ગુર્જરી-૨૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, હાથશાળ અને હસ્તકલા કારીગરોના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે તે માટે રાજય સરકાર શ્રેષ્ઠ પ્રયાસો કરે છે.

કુટિર ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદિપકુમારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, ગ્રામ્ય સ્તરે આર્થિક ઉન્નતિ માટે કારીગરોને કુશળ તાલીમ આપવા રાજય સરકારે અનેકવિધ યોજનાઓ બનાવી છે.

આ પ્રસંગે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાના ચેરમેન શ્રી દલસુખભાઈ પ્રજાપતિ, ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી કુશળસિંહ પઢેરીયા, ગ્રામ-ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઈ આહિર-બેરા રાજયના વિવિધ બોર્ડ નિગમોના સભ્યો-પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્વરોજગારલક્ષી સાધન સહાયના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.   

 

 

(2:42 pm IST)