Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દાહોદનાં નાની ખોરજ ગામે 3 વર્ષની બાળકીને સાપ કરડતા મોત : પરિવારજનોએ દીકરીના મોત બદલ ડોક્ટરને જવાબદાર બતાવ્યા !

ડોક્ટરે સારવારમાં મોડું કર્યાના પરિવારજનોના આરોપ : કહ્યું – ડોક્ટરે પહેલા પોલીસ કેસ કઢાવવાનું કહેતા તેમાં સમય વીતી જતાં બાળકીનું મોત થયું

દાહોદ તા. 04 : દાહોદનાં નાની ખોરજ ગામે ઘર આંગણે રમી  રહેલી બાળકીને અચાનક એક ઝેરીલા સાપે ડંખ મારી જતાં બાળકીનું મોત થયું છે. પરંતુ પરિવારજનોએ મોતનુ કારણ સાપ કરડવાની સાથે સાથે ડોક્ટરની બેદરકારીને પણ ગણાવી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, બાળકીને હોસ્પિટલ લાવ્યા બાદ ડોક્ટરે સમયસર સારવાર શરૂ ન કરતાં બાળકીનું મોત થયું છે.

દાહોદના નાની ખરજ ગામે રહેતા ડામોર પરિવારની ત્રણ વર્ષની દીકરી હિમાંશી ડામોર કે જે પોતાના ઘરના બહાર આંગણમાં રમતી હતી. આ દરમિયાન તેને સાપ કરડતા તેણે બૂમો પાડી હતી અને પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર આવ્યાં હતા. આને આ બાળકીને પગમાં લોહી નીકળતું હોવાથી તાત્કાલિક ખાનગી વાહન મારફતે દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. જોકે દીકરીનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પરિવારના લોકોનો આક્ષેપ હતો કે બાળકીને હોસ્પિટલ લાવ્યા બાદ ડોક્ટરને તેને પહેલા પોલીસ કેસ કઢાવવા માટેની વાત કરી હતી અને તેમાં સમય જતા બાળકીનું મોત થયું હતું. આ ઘટનાની જાણ તેઓએ પોલીસને કરતા પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ વિષે હોસ્પિટલના RMO રાજીવ ડામોરે કહ્યું કે, બાળકીને હોસ્પિટલમાં લાવ્યાં બાદ કેસ કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને કેસ અને મેડીકલ માટે પોલીસને જાણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. મેડિકલી કેસ હોવાથી તેઓના પરિજનોને સમજાવવામાં આવ્યું હતું કે કેસ કાઢી અને પોલીસ સ્ટેશન ઇન્ફોર્મ કરવાનું હોય તે બાબતની વાત કરી હતી.RMOએ કહ્યું કે ડોક્ટરની કોઈ ભૂલ નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી એડી નોંધવાની કામગીરી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ઘટનાને લઇ વિસ્તારમાં ચકચાર મચી હતી.

(11:19 pm IST)