Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભરૂચના કેબલ બ્રિજ ઉપર 5 વર્ષમાં પહેલો હિટ એન્ડ રનનો બનાવ: આરીફ મુસાભાઈને ટ્રકે કચડ્યા

એક્ટિવા લઈ પત્ની રૂબીના અને 11 મહિનાના પુત્ર અયાન સાથે કેબલ બ્રિજની મુલાકાતે નીકળ્યા હતા

ભરૂચ: ભરૂચની શાન અને રજાના દિવસે લટાર મરાવાનું સ્થળ બનેલા કેબલ બ્રિજ ઉપર 5 વર્ષમાં પહેલો હિટ એન્ડ રનનો બનાવ રવિવારે રાતે બન્યો છે.
ભરૂચની શેરપુરા ચોકડી ખાતે આવેલા અમીના પાર્કમાં 26 વર્ષીય આરીફ મુસાભાઈ નાર્બન રહેતા હતા. જેઓ નર્મદા ચોકડી ખાતે આવેલી મીઠાના અગરની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.
રવિવારે રજા હોય તેઓ પોતાની એક્ટિવા લઈ પત્ની રૂબીના અને 11 મહિનાના પુત્ર અયાન સાથે કેબલ બ્રિજની મુલાકાતે નીકળ્યા હતા. સાંજે પોણા સત4 વાગ્યે તેમણે ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પોતાનું મોપેડ પાર્ક કર્યું હતું. અને ચાલતા ચાલતા કેબલ બ્રિજ ઉપર ગયા હતા.
પરિવાર સાડા સાત વાગે કેબલબ્રિજના રસ્તા પરથી ઘરે પરત ફરવા એક્ટિવા તરફ આગળ વધી રહ્યું હતું. આરીફભાઈના હાથમાં અયાન હતો. જે વેળા પાછળથી આવતી કાળમુખી ટ્રકે તેમને ટક્કર મારી હતી.
હાથમાં રહેલો 11 માસનો પુત્ર ફંગોળાઈ રસ્તા ઉપર પટકાયો હતો. અને પત્ની રૂબીનાબેનની નજરો સમક્ષ જ પળ ભરમાં ટ્રક આરીફભાઈ ઉપર ચઢી પસાર થઈ ગઈ હતી.
લોહી લુહાણ હાલતમાં તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. પત્નીએ પોતાના જેઠને ઘટનાથી વાકેફ કરતા તેઓ દોડી આવ્યા હતા. લોકોની ભીડ, વાહનોના ટ્રાફિકજામ વચ્ચે 108 અને પોલીસ દોડી આવી હતી. મૃતદેહ અને 11 માસના ઇજાગ્રસ્ત અયાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધી ટ્રક ચાલકની ભાળ મેળવવામાં આવી રહી છે.
કેબલ બ્રિજ ઉપર શહેરીજનો રવિવાર અને રજના દિવસે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સર્કિટ હાઉસથી કેબલ બ્રિજ ઉપર ચાલતા જવું અત્યંત જોખમી છે. કારણ કે ફોરલેન બ્રિજ ઉપર અંકલેશ્વર તરફથી 80 થી 120 કિલોમીટરની ઝડપે વાહનો પસાર થતા હોય છે. કેબલ બ્રિજના ફૂટપાથ ઉપર પોહચતા સુધી વાહનોથી બચી 100 થી 150 મીટરનું અંતર કાપવું એ ઘણું જોખમી છે. ત્યારે કેબલ બ્રિજ ઉપર લટાર મારવા જતા લોકો માટે આ ઘટના ચેતવણી રૂપ છે.

(4:58 pm IST)