Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

SOGએ ઓપરેશન ભરૂચના ખેડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી 4 ઝોલા છાપને 56 હજારની દવાઓ સાથે દબોચી લીધા

લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફરી સ્કેનિંગ શરૂ કર્યું હતું

ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોનાની ચોથી વેવ શરૂ થઈ જવા સાથે ફરીથી બંગાળી બાબુઓ ભાડાની દુકાનો ખોલી ડુપ્લિકેટ ડૉક્ટર્સની દુકાનો ધમધમાવવા લાગ્યા છે. આ બોગસ તબીબોનું SOG એ ઓપરેશન ખેડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી 4 ઝોલા છાપને ₹56 હજારની દવાઓ સાથે દબોચી લીધા છે.
ભરૂચ જિલ્લો દેશના તમામ પ્રાંતના લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી પૂરો પાડે છે એટલે જ પ્રધાનમંત્રીએ દહેજને લઘુ ભારતનું પણ ઉપનામ આપ્યું હતું.
દરેક પ્રાંતના લોકો ઔધોગિક ભરૂચ જિલ્લામાં ઠરીઠામ થયા છે ત્યારે પશ્ચિમ બંગાળના બંગાળી બાબુઓએ તો વગર ડિગ્રીએ ફેક ડૉક્ટર્સની હાટડી ચલાવવાનું જિલ્લાને હબ બનાવી દીધું છે.
કોરોનાની ત્રણ વેવમાં ભરૂચ જિલ્લા પોલીસે ઔદ્યોગિક અને આદિવાસી વિસ્તારમાં ભાડે દુકાનો લઈ ફેક ડોકટરનો ધીકતો ધંધો કરતા બોગસ તબીબોને ઝડપી પાડવા ઉપરાછાપરી અભિયાન ચલાવ્યું હતું. જેમાં 30 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને લાખોના મેડિકલ સાધનો અને દવાઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
કોરોના સમી જતા આ ઝોલા છાપ પણ જાણે અટકી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સંભવત ચોથી લહેર શરૂ થઈ જતા ફરી બોગસ તબીબો અને તેમની જોખમી હાટડીઓ ધમધમી ઉઠી છે.
લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફરી સ્કેનિંગ શરૂ કર્યું હતું. જેમાં વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા લખીગામ અને જાગેશ્વરમાંથી 4 બંગાળી બાબુઓને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે.
SOG P.I. વી.બી. કોઠીયા સાથે સ્ટાફ સુરેશ વણઝારા, શૈલેષ વસાવા, પ્રદીપભાઈ સહિતના સ્ટાફે લખીગામ ચોકડી પરથી ઉત્તમ સુશાંતા મોંડળ, શંકર સ્વપ્ન દેબનાથ અને જાગેશ્વર ખાતેથી બીશ્વજીત ત્રિનાથ બીશ્વાસ તેમજ મધુમંગલ જયદેવ બીશ્વાસની રૂપિયા 56 હજારની દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાના 40 કેસ એક્ટિવ છે.

(4:56 pm IST)