Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.48 લાખની ચોરીને અંજામ આપ્યો

વડોદરા: શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ વૈકુંઠ એપાર્ટમેન્ટમાં બેસણામાં ગયેલ પરિવારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા સહિત 1.48 લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આમ, વડોદરા શહેરમાં છાસવારે ચોરી થવાની ઘટનાઓ યથાવત છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ વૈકુંઠ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ ઠાકર સારાભાઈ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. બીજી જુલાઈના રોજ તેઓ મકાનને તાળું મારી પત્ની સાથે મહેસાણા બેસણામાં ગયા હતા. કામવાળી ઘરે પહોંચતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હોય અશ્વિનભાઈ પરત વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કરતા અજાણ્યા તસ્કરો બેડરૂમની તિજોરીમાંથી સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની ચુડી, સોનાનું પેન્ડલ ,ચાંદીના સિક્કા, ચાંદીના છાડા અને રોકડા 20 હજાર મળી કુલ 1.48 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:53 pm IST)