Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગાંધીનગર શહેર નજીક આવેલ ચિલોડા-હિંમતનગર હાઇવે પર પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી રાજસ્થાનના બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાથી હિંમતનગર હાઈવે ઉપર મહુન્દ્રા ગામના પાટિયા પાસે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને રાજસ્થાનના બે શખ્સોને વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ૩.૩૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે દારૃ મોકલનાર અને મંગાવનાર શખ્સો સામે પણ ગુનો દાખલ કર્યો છે. રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને ચિલોડાથી હિંમતનગર હાઈવે ઉપર આ પ્રકારની દારૃની હેરાફેરી વધી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે હિંમતનગર તરફથી આવતી કારને ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો. જોકે તેમાં સવાર શખ્સોએ કારને દોડાવી દીધી હતી. જેના પગલે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને મહુન્દ્રા ગામના પાટિયા પાસેથી તેને ઝડપી લીધી હતી. આ કાર માંથી વિદેશી દારૃની ૧૪૪ બોટલ સાથે રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા નારાયણ સગરામજી પડવલા અને જીવાલાલ કમલાજી વરહટને ઝડપી લીધા હતા. આ દારૃનો જથ્થો નયાગામ ખાતે રહેતા સુભાષ પદમજી કલાલે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અમદાવાદના રાણીપ ખાતે રહેતા કિશન દુબેએ દારૃનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે ૩.૩૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આ બંને વ્યક્તિઓની શોધખોળ શરૃ કરી છે.

(4:50 pm IST)