Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સાબરમતી નદી કિનારાના ગામોમાં અવારનવાર થતા ખનનથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ગાંધીનગર :  સાબરમતી નદી કિનારાના ગામોમાં રેતીનું ખનન અટકવાનું નામ લેતું નથી. ત્યારે સાદરા પાસે નદીમાં ભૂમાફિયાઓ દ્વારા સતત કરાતાં રેતીના ગેરકાયદેસર ખનનથી નદીમાં ઊંડા ખાડા પણ પડી જવા પામ્યા છે. જેને કારણે નદીમાંથી અલુવા તરફ અવરજવરમાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ ચોમાસામાં તો જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે. સતત ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતા ગ્રામજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે. સાબરમતી નદીકિનારે આવેલા જિલ્લાના મોટા ભાગના ગામોમાંથી રેતી ખનન ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે. થોડા સમય અગાઉ તંત્રએ કાર્યવાહી કરતા આ ખનન બંધ થઈ ગયું હતું. તો વળી તંત્રની બેદરકારીને કારણે આ ખનન ફરી પાછું વધ્યુ છે. કોઈ જાગૃત વ્યક્તિએ આ રીતે ગેરકાયદેસર થતા રેતીના ખનનને કારણે ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરતા તંત્ર એ નામ માત્રની કાર્યવાહી કરી હતી. હવે ભૂમાફિયાઓએ સાદરા પાસે નદીમાં સતત રેતીનું ખનન કરીને નદીની સપાટી જ બદલી નાખી છે. ખનનથી નદીમાં ઊંડા ખાડા પણ પડી જવા પામ્યા છે.

(4:50 pm IST)