Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હવે ખાતેદારો પોતાની જાતે વારસાઇની નોંધ ઓનલાઇન દાખલ કરી શકશે

સબ રજિસ્‍ટ્રાર કચેરીઓમાં ઉપલબ્‍ધ ભૌતિક સ્‍વરૂપના રેકોર્ડ ઈન્‍ડેક્‍સ-૨ વોલ્‍યુમ ગરવી વેબ એપ્‍લિકેશન મારફત હવે લોકોને ઘરે બેઠા ઉપલબ્‍ધ થશે : આ માટે હવે રજિસ્‍ટ્રાર કચેરીના ચક્કર કાપવાનું બંધ થશે : આ ઉપરાંત i-ORA પ્‍લેટફોર્મ પર વિવિધ મહેસુલ સેવાઓ ઓનલાઈન ઉપલબ્‍ધ થશે : દસ્‍તાવેજોની નોંધણી માટે વેબ એપ્‍લિકેશન ગરવી ૨.૦ શરૂ કરવામાં આવી છે

અમદાવાદ તા. ૪ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તમામ સરકારી કચેરીઓનું ડિજિટલકરણ થઈ રહ્યું છે. જેનાથી લોકોને વિવિધ સેવાઓ આંગળીને ટેરવે મળી રહેશે અને કચેરીઓના ધક્કા ખાવાની જરુર નહીં રહે. જેમાં ગુજરાત મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્‍ધ કરાવી છે. આ માટે મહેસૂલ વિભાગનું iRCMS પ્‍લેટફોર્મ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે જેના દ્વારા અનેક મહેસૂલી સેવાઓ ઓનલાઈન પ્રદાન કરવામાં આવી રહી છે. આ જ પોર્ટલ દ્વારા ખાતેદાર હવે પોતાની વારસાઈની ઓનલાઈન નોંધણી પણ દાખલ કરાવી શકે છે. તેમજ ઇન્‍ટિગ્રેટેડ રેવન્‍યૂ કેસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ (iRCMS) દ્વારા રાજયભરમાં ચાલતા મેહસૂલી કેસોનું પણ ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત નોંધણી ફી, સ્‍ટેમ્‍પ ડ્‍યુટીની ઓનલાઈન ગણતરી, ફરજિયાત ઓનલાઈન પેમેન્‍ટ, દસ્‍તાવેજ નોંધણીની ઓનલાઈન વીડિયોગ્રાફી, થમ્‍બ ઇપ્રેશન, ફોટોગ્રાફી, દસ્‍તાવેજનું સ્‍કેનીંગ અને પ્રિન્‍ટિંગ, ઓનલાઈન જાળવણી, સર્ચ, ઇન્‍ડેક્‍સ-૨ દસ્‍તાવેજ ઓનલાઈન જોવાની સુવિધા ઉપલબ્‍ધ કરાઈ છે. હવે સબ રજિસ્‍ટ્રારની કચેરીઓમાં ઉપલબ્‍ધ ભૌતિક સ્‍વરુપના રેકોર્ડ ઈન્‍ડેક્‍સ-૨ વોલ્‍યુમ ગરવી વેબ એપ્‍લિકેશન મારફતે ઘરબેઠા ઉપલબ્‍ધ કરાવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આગામી સમયમાં ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ ૧૯૫૮ કલમ ૩૧ (દસ્‍તાવેજ કરતાં અગાઉ વારવાના સ્‍ટેમ્‍પ ડ્‍યુટી અંગે અભિપ્રાય મેળવવો), કલમ ૪૦ (ઓછી ભરાયેલી સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ભરવા તે થયા તારીખથી એક વર્ષમાં સામેથી ડ્‍યુટી ભરવા રજૂ કરવો), કલમ-૫૩(૧) (નાયબ કલેક્‍ટરના ડ્‍યુટી ભરવાના હુકમ સામે મુખ્‍ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ) અને કલમ ૫૩-ક (નાયબ કલેક્‍ટર દ્વારા ઓછી ડ્‍યુટી લીધેલી હોય તો મુખ્‍ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી દ્વારા રિવ્‍યુ) અંગેના કેસોની કામગીરી ઓન લાઈન કરવાનું આયોજન છે.

મહેસૂલ વિભાગ દ્વારા ગામના નમૂના નંબર-૬ની હસ્‍તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર ૭-૧૨ના હસ્‍તલિખિત પાનિયા સ્‍કેન કરી વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્‍યા છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંતી જોઈ શકાય છે. અરજદારોની જૂદી જૂદી મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ માટે અરદારો પાસેથી ગામ નમૂના નં-૬ તથા ૭/૧૨ માંગવામાં આવતા નથી. એટલું જ નહીં વહીવટી તંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકોર્ડ મેળવી લે છે. આ માટે તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફટવેર પર ઓનલાઈન કરવામાં આવી છે.

(12:30 pm IST)