Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વલસાડ છીપવાડનું અનાજ બજાર સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે

વલસાડ તાલુકા વેપારી મહામંડળનો કોરોનાની મહામારીને લઇ સ્વૈચ્છીક નિર્ણય

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના છીપવાડમાં ચાલતા હોલસેલ અનાજ અને મરી મસાલા તેમજ અન્ય કોસ્મેટીક બજારમાં દિવસભર સતત લોકોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે વલસાડમાં કોરોનાના વિસ્ફોટ બાદ છીપવાડ બજારના વેપારી મહામંડળના પ્રમુખ સમીર મપારા, ઉપપ્રમુખ ધરમચંદ શાહ, મંત્રી પ્રદિપકુમાર કોઠારી વગેરેએ બેઠક કરી છીપવાડ બજાર સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે.
વલસાડમાં છીપવાડ બજારમાં લોકોની ભારે અવર-જવરને લઇ સોશ્યલ ડિસ્ટન્સીંગનો અભાવ રહેતો હોય છે. અહીં મિલમાંથી કે ફેક્ટીમાંથી આવતો અનાજનો તેમજ અન્ય ચીજવસ્તુનો હોલસેલ જથ્થો ટ્રકમાથી ઉતારવો અને જિલ્લાના અન્ય બજારમાં પહોંચાડવા માટે વાહનોમાં ભરવો મુશ્કેલ બની રહ્યો છે. જેમાં તકેદારી રાખવી જરૂરી બની હોય વેપારીઓ દ્વારા સવારે દુકાન ચાલુ રાખી બપોરે 2 વાગ્યે માલ ઉતારવો અને ચઢાવવો એવું નક્કી કરાયું છે. કોરોનાના સંકટમાં વેપારીઓનો સ્વૈચ્છીક રીતે લીધેલો આ નિર્ણય સરાહનિય બની રહ્યો છે.

(9:55 pm IST)