Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વડોદરાને ભડકે બાળવાની ચીમકી આપનાર કરણી સેનાનાં પ્રમુખ રાજ શેખાવતની ધરપકડ : ખળભળાટ

ઓઇલ ચોરી મામલે જો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે તેવી ચમકી આપી હતી

વડોદરાઃ વડોદરામાં કરણીની સેનાના પ્રમુખ રાજ શેખાવતની ધરપકડ કરાઇ છે રાજ શેખાવતે ઓઈલ ચોરી મામલે કરણી સેનાના આગેવાન અને ભાજપનાં પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડની વિરુદ્ધ વડોદરા ભડકે બળશે તેવી ચીમકી આપી હતી. જેને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.

આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ મુદ્દે તેમણે નિવેદન આપ્યું હતું કે, “જો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે.” મહત્વનું છે કે, તેમણે કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. ફરિયાદમાં પોલીસ અને પ્રજા વચ્ચે દ્વેષ ઉભો કરવાનાં હેતુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસ અને PCBએ જવાહર નગર નરેન્દ્ર રોડ લાયન્સનાં ગોડાઉનમાં દરોડો પાડીને ઇન્ડિયન ઓઇલ કંપનીનાં ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે બે શખસની ધરપકડ કરી હતી. જ્યારે ભાજપનાં પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે ગુનો નોંધાતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

 

જો કે આ મામલે અનેક અટકળો શરૂ થતા સમગ્ર બનાવને રાજકીયરુપ આપી દેવાયો હતો. આ કેસમાં ગોડાઉન કીપર તેમજ ટેન્કરનાં ડ્રાઈવર સામે ફરિયાદ થઇ હતી. પોલીસે ગોડાઉનનાં માલિક અને ભાજપનાં પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ FIR માં નોંધ્યું હતું. જેનાં વિરોધમાં કરણી સેનાએ ગયા મહીનાની 25મી જૂને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રાજકીય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચનાં જણાવ્યાં અનુસાર, “આ દરમ્યાન કરણી સેનાનાં આગેવાન રાજ શેખાવતે કહ્યું હતું કે જો ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે. જેનાં આધારે પોલીસે રાજ શેખાવત સામે ગુનો દાખલ કર્યો છે.”

 

(8:52 pm IST)