Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમદાવાદમાં ફી માફી માટે NSUI દ્વારા દેખાવો યોજાયા

પોલીસે કાર્યકરોની અટકાયત કરી : NSUI દ્વારા ૬ મહિનાની ફી માફ કરવાની માગ કરાઈ

અમદાવાદ, તા. : અમદાવાદની ખાનગી શાળાઓની ફી માફ કરવાની માગ સાથે NSUI જિલ્લા શિક્ષણ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે ફી માગી રહી છે. જેને લઇ NSUI દ્વારા મહિનાની ફી માફ કરવા માગ કરાઈ હતી. ઘટનાને પગલે DEO કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીઇઓ કચેરી ખાતે વિરોધ કરી રહેલા NSUI ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

અમદાવાદની જિલ્લા શિક્ષણ કચેરી ખાતે શાળા બંધ તો ફી પણ નહીંની માગ સાથે NSUI દેખાવો કર્યા. કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે શાળાઓ બંધ છે, આગામી સપ્ટેમ્બર મહિના સુધી શાળાઓ શરૂ થવાની શક્યતાઓ નથી. ત્યારે અનેક શાળાઓ વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરી રહી છે. બાબતને લઈ NSUI અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર દેખાવો કરતા આસિસ્ટન્ટ ડીઇઓ કચેરી બહાર NSUIના નેતાઓને મળવા આવ્યા હતા.

NSUIના નેતાઓએ શાળા દ્વારા થતી ફીની માગણી અને અન્ય રજૂઆત કરતા જણાવ્યું હતું કે, NSUIની માંગ છે કે શાળાઓ બંધ રહે ત્યાં સુધી ફી ઉઘરાવવામાં ના આવે. તેમજ પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે.

કચેરી બહાર દેખાવો કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તો NSUI પણ ચિમકી ઉચ્ચારી છે કે ફી માફી કરવામાં નહીં આવે તો ડીઈઓ કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

(8:01 pm IST)