Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફિનાઈલનું સેમ્પલ આપી બે વ્યક્તિઓ પાસેથી 16 હજાર લઇ શખ્સે છેતરપિંડી આચરતા ગુનો દાખલ

આણંદ:જિલ્લાના ઉમરેઠ ખાતે ફીનાઈલનું સેમ્પલ આપી વધુ માલ પછીથી મોકલાવું છું તેમ જણાવી બે વ્યક્તિઓ પાસેથી અંદાજે રૃા.૧૬ હજાર લઈ છેતરપીંડી આચરવાના ગુનામાં ઉમરેઠ પોલીસે એક શખ્શને ઝડપી પાડયો છે. જેની વધુ પુછપરછમાં આ શખ્શે ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાં મળી અંદાજે ૬૯ જેટલા બનાવોમાં છેતરપીંડી આચરી હોવાનું ખુલવા પામ્યું છે.

જિલ્લાના તાલુકા મથક ઉમરેઠના નાસિકવાળા હોલ ખાતે તેમજ માર્કેટ યાર્ડ ખાતે એક શખ્શે આવી ફીનાઈલનું સેમ્પલ આપી બીજો માલ પાછળ ટેમ્પામાં આવે છે તેમ જણાવી બંને શખ્શો પાસેથી નાણાં પડાવી આશરે ૧૬ હજાર રૃપિયા લઈ નાસી જઈ છેતરપીંડી આચરી હોવા અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે ઉમરેઠ પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માર્કેટ યાર્ડમાં ફીનાઈલ વેચવા આવેલ શખ્શો જે કાર લઈને આવ્યા હતા તે કારનો નંબર મળી આવ્યો હતો અને આ કાર નડીયાદથી ઉમરેઠ તરફ આવનાર હોવાની બાતમી ઉમરેઠ પોલીસની ટીમને મળતા ઉમરેઠ પોલીસની ટીમ ઓડ ચોકડી નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની કાર આવી ચઢતા પોલીસે તેને અટકાવી હતી અને ચાલકના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે ધવલભાઈ સતીષભાઈ બારોટ (રહે.બાપુનગર, અમદાવાદ) હોવાનું ખુલવા પામ્યું હતું. દરમ્યાન પોલીસે કારની તલાશી લેતાં અંદરથી ફીનાઈલ ભરેલ બે કારબા મળી આવ્યા હતા.  જેથી પોલીસે કડકાઈથી પુછપરછ કરતા ધવલભાઈ  બારોટ તથા તેનો કુટુંબી ભાઈ અંકિત ધીરજભાઈ બારોટ બંને ભેગા મળી ફીનાઈલ કંપનીનું ઉદ્દઘાટન કરવાનું હોવાથી અલગ-અલગ સ્થળોએ લોકોને વિશ્વાસમાં લઈ છેતરપીંડી આચરતા હોવાનું ખુલવા પામ્યું હતું. સાથે સાથે તેઓએ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મળી ૬૯ જેટલા ગુનાઓમાં લોકોને લાખ્ખો રૃપિયાનો ચુનો ચોપડયો હોવાનું પણ ઉજાગર થતા ઉમરેઠ પોલીસે ઝડપાયેલ શખ્શની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(5:38 pm IST)