Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ખંભાતના નાગરવાડા ચોકમાં પોલીસે ગુપ્ત માહિતીના આધારે છાપો મારી ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોને દબોચ્યા

આણંદ:જિલ્લાના નવાબીનગર ખંભાતના નાગરવાડા ચોક ખાતે ખંભાત પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે ઓચિંતો છાપો મારીને ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી ચાર મોબાઈલ તથા રોકડા રૃા.૩૦ હજાર મળી કુલ્લે રૃા.૩૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંને શખ્શો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા મથક ખંભાત શહેરના નાગરવાડા ચોકમાં કેટલાક શખ્શો એકત્ર થઈ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી ખંભાત શહેર પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે ખંભાત શહેર પોલીસની ટીમે બાતમીવાળા સ્થળ ઉપર ઓચિંતો છાપો મારતા ધર્મેશભાઈ ઉર્ફે રોબર્ટ અમરસિંહ ગોહેલ તથા યજ્ઞોશભાઈ ઉર્ફે લાલુ બલભદ્રભાઈ મોદી રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. આ બંને શખ્શો મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લીકેશન એકાઉન્ટ બનાવી અલગ-અલગ ગ્રાહકોને લીંક મોકલી આઈડી અને પાસવર્ડ આપી તે દ્વારા ઓનલાઈન ક્રિકેટ સહિતની અન્ય રમતો ઉપર સટ્ટો રમાડતા હતા. ઉપરાંત હાલમાં વિદેશમાં બે લોકલ ટીમો વચ્ચે ક્રિકેટ રમાતી હોઈ આ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બંને શખ્શોને અટકમાં લઈ વધુ પુછપરછ કરતા તેઓ ઓનલાઈન આઈડીમાં લીંક ઉપર બેલેન્સ કરી ગ્રાહકો પાસે રોકડા રૃપિયા લઈ હારજીતનો સટ્ટો રમતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મોબાઈલની તપાસ કરી વધુ પુછપરછ હાથ ધરતા તેઓ છેલ્લા એક વર્ષથી ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની કબુલાત કરી હતી.

(5:37 pm IST)