Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વિવિધ તાલીમ સેન્ટરમાં ૪૭થી વધુ જવાનોને કોરોના

ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ : કરાઈ, જુનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે

ગાંધીનગર, તા. : રાજ્ય પોલીસ માટે ચિંતાનો નવો વિષય ઊભો થયો છે. રાજ્યભરના વિવિધ પોલીસ તાલીમ સેન્ટરોમાં મોટા પાયે કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના કરાઈ, જુનાગઢ, વડોદરા સહિત જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ સેન્ટરોમાં ૪૭ થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ તમામ ટ્રેનિંગ સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પ્રતાપનગર તાલીમ શાળામાં ૧૯ તાલીમી જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૨૦ જવાનોના સેમ્પલ લેવામા આવ્યા હતા. તેમાંથી ૧૯ કેસ પોઝિટિવ આવ્યા છે.

        સમગ્ર રાજ્યમાથી આવેલા ૪૭૧ એલઆરડી જવાનો અહીં તાલીમ લઈ રહ્યા છે. ત્યારે એકસાથે ૧૯ જવાનોમાં કોરોના પોઝિટિવ આવતા અન્ય તાલીમી જવાનોમાં ભય ફેલાયો છે. જવાનોમાંથી કેટલાકને શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો હતી. જેથી તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જવાનોમાંથી ૩૦માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી ૧૯ તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેપોલીસ જવાન કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બન્યા છે. આવામાં જો વધુ પ્રમાણમાં તાલીમ લેતા જવાનો તેની ઝપેટમાં આવતા હોય તો તે ચિંતાનો વિષય છે. જેથી ગુજરાત પોલીસના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે.

(7:56 pm IST)