Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજ્ય સરકારે ટીચરોનાં ગ્રેડ-પેમાં ઘટાડો કરતા #4200gujarat ઓનલાઇન કેમ્પેઇન શરૂ કરાયું

Whatsapp અભિયાન શરુ : ગ્રેડ પેમાં ઘટાડો કરતા રાજ્યભરનાં 65,000 શિક્ષકોને અસર

અમદાવાદઃ ગુજરાત સરકારે શિક્ષકોનાં ગ્રેડ પેમાં ઘટાડો કર્યો છે. જેને લીધે શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરનાં શિક્ષકોએ પોતાનાં હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat Whatsapp Campaign શરૂ કર્યું છે.

પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં 9 વર્ષ બાદ જે 4200 ગ્રેડ પે મળતો હતો. તે હવે ગુજરાત સરકારે વર્ષ 2019માં કરેલા એક પરિપત્ર મુજબ હવેથી વર્ષ 2010 બાદ જે શિક્ષકો ભરતી થયા હોય તેમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. જેથી ગુજરાત સરકારે ગ્રેડ પેમાં ઘટાડો કરતા રાજ્યભરનાં 65,000 શિક્ષકોને અસર થશે.

શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મામલે શિક્ષણ સંઘ આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકોએ પોતાની વ્યથા ઠાલવતા કહી રહ્યાં છે કે, “અમને જે પહેલા 4200 ગ્રેડ પે મળતો હતો તેને ઘટાડીને 2800 કેમ કરવામાં આવ્યો? અન્ય કોઈ જ વિભાગમાં નહીં પરંતુ શિક્ષકોનો પગાર સરકાર કેમ ઘટાડી રહી છે? અમે પગાર વધારો નથી માંગતા, પરંતુ વર્ષોથી જે પગાર આપવાનો નિર્ણય થયો છે તેમાં કાપ કેમ મૂકવામાં આવી રહ્યો છે?” જેને લીધે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા ગ્રેડ પે પાછો આપવાની માંગ સાથે Whatsapp અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

(1:31 pm IST)