Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ગુજરાતભરમાં સોમવારે ભારે વરસાદ ખાબકશે

સ્કાયમેટનો નિર્દેશ : દેશભરમાં ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યુ છેઃ મુંબઈ - કોંકણ - ગોવા - કર્ણાટક - કેરળ સુધી પણ ૨૪ થી ૪૮ કલાક ભારે વરસાદ ચાલુ રહેશે : બિહારમાં ફરી પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાશે : રાજસ્થાન - પંજાબ - હરિયાણા - દિલ્હી - એનસીઆરમાં પણ વરસાદની આગાહી

નવી દિલ્હી : આનંદદાયક સમાચાર છે. દેશભરમાં ચોમાસુ ફરી સક્રિય બની રહ્યાનો વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે નિર્દેશ આપ્યો છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૨૪ કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે. સોમવારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત મુંબઈ, કોંકણ, ગોવા, કર્ણાટકથી કેરળ સુધી ૨૪ થી ૪૮ કલાક વરસાદી એકટીવીટી જળવાઈ રહેશે. તો બિહારમાં ફરી તોફાની વરસાદ ખાબકશે. પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે. જયારે દેશના જે ભાગો જેમ કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆરમાં વરસાદ થયો નથી તે વિસ્તારોમાં પણ વરસાદ પડશે.

દેશભરમાં ચોમાસુ ફરીથી સક્રિય થઈ રહ્યુ છે. આવુ પ્રથમ વખત બની રહ્યુ છે કે ચોમાસાના આગમન બાદ દેશના તમામ રાજયોમાં વરસાદ લાવી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન પશ્ચિમના દરિયાકિનારાના વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર - કોંકણ - ગોવા, કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. મુંબઈ, રત્નાગીરી, મહાબલેશ્વર, પણજી મેંગલોરમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે.

આ સિવાય દેશના પૂર્વ અને ઉત્તર ભારતના રાજયો અને મધ્ય ભારતના ભાગોમાં પણ વરસાદ ચાલુ છે. દક્ષિણ ભારતમાં પણ મોનસુન એકટીવ છે. ઉત્તરી રાજસ્થાન કે જયાં લાંબા સમયથી વાતાવરણ સૂ કુ હતું તે વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં ગઈકાલે વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યુ હતું.

આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ઉત્તર ભારતમાં ઉત્તરાખંડમાં વરસાદ ચાલુ રહેશે. સાથોસાથ રાજસ્થાન ઉપર એક સાયકલોનીક સરકયુલેશન બનેલુ છે. તેમજ ગુજરાત ઉપર પણ સરકયુલેશન બનેલુ છે. અરબી સમુદ્રની ભેજવાળી હવાઓ આવી રહી છે. જેની અસરથી રાજસ્થાનના ઉત્તરના ભાગો, પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વરસાદ પડશે. લોકોને ગરમીથી રાહત મળશે.

પર્વતીય વિસ્તારોમાં ઉત્તરાખંડથી વરસાદ આગળ વધશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હાલમાં વાતાવરણ સૂ કુ છે. આ જગ્યાએ તા. ૫ જુલાઈથી વરસાદ શરૂ થશે. રાજસ્થાનના દક્ષિણ - પૂર્વના જિલ્લાઓમાં કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. હજુ પણ વરસાદ વધશે. ધીમે ધીમે પશ્ચિમી વિસ્તારોમાં પણ વધશે. તા. ૫ના સોમવાર સાંજથી કે રાતથી તા. ૬ અને ૭ સુધી વરસાદ પડશે.

જયારે ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગોમાં ચોમાસુ સક્રિય છે. સરકયુલેશનની અસરથી વરસાદી એકટીવીટી ચાલુ રહેશે. સાથોસાથ બિહારમાં પણ ફરીથી વરસાદ શરૂ થશે. ફરીથી પૂર જેવો ખતરો બની શકે છે. પરિસ્થિતિ ગંભીર બનવાની શકયતા છે.

પૂર્વ અને પૂર્વોત્તર ભારતના અન્ય ભાગોમાં પણ ચોમાસુ સક્રિય છે. વરસાદ ચાલુ રહેશે. ઓડીશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ એકધારો જળવાઈ રહેશે.

જયારે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૨૪ કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો આવશે. તા. ૫ જુલાઈ સોમવારે ભારે વરસાદ પડી શકે છે. જયારે કોંકણ, ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડશે.

પશ્ચિમના દરિયાકિનારાના વિસ્તારોમાં છેલ્લા ૨૪ થી ૪૮ કલાકમાં ભારે ખાબકયા બાદ આગામી બે દિવસ પણ વરસાદનું જોર બની રહેશે. કારણ કે એક ટ્રફ મહારાષ્ટ્રથી કેરળ સુધી સેટ થઈ ગઈ છે અને સાયકલોનીક સરકયુલેશન ગુજરાતના દક્ષિણ ભાગમાં ખૂબ જ સક્રિય છે. પશ્ચિમ મધ્ય ભારતમાં પણ એક સરકયુલેશન બનેલુ છે. અરબી સમુદ્રમાંથી હવાઓનો ફલો ઝડપી થઈ ગયો છે. મુંબઈથી કર્ણાટક સુધી અને કેરળમાં પણ આગામી ૨૪ થી ૪૮ કલાક ભારે વરસાદ ચાલુ રહેશે.

(11:24 am IST)