Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમદાવાદના નરોડામાં કરણી સેનાનો સોસાયટીનાં રહીશો પર હુમલો : મહિલાઓનાં પણ કપડાં ફાડ્યા

કરફ્યુ સમયે સોસાયટીમાં અવરજવર કરવા મામલે કરણી સેનાનો હુમલો : ગેટનું તાળું તોડીનાખ્યું : ;પોલીસ બોલાવી સમાધાન કર્યું છતાં લાકડીથી સજ્જ થઇ હુમલો કર્યો: યુવા અધ્યક્ષ રાહુલસિંગ રાજપૂત સહિત 25થી 30 લોકોનાં ટોળાં સામે ફરિયાદ

અમદાવાદઃ કરણી સેનાનાં યુવા અધ્યક્ષ રાહુલસિંગ રાજપૂત સહિત 25થી 30 લોકોનાં ટોળાંએ નરોડાની શ્રી હરિ સોસાયટીમાં મોડી રાત્રે લાકડીઓથી સજ્જ થઈ પ્રવેશ કરી મહિલાઓ અને પુરૂષો પર ઘાતક હુમલો કર્યો હતો. મહિલાઓને માર મારી કપડાં ફાડી નાંખ્યાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. કરફ્યુ સમયમાં સોસાયટીમાંથી અવરજવર બંધ કરવા સ્થાનિક રહીશોએ મુખ્ય ગેટને તાળું માર્યું હતું. પરંતુ સોસાયટીમાં અવરજવર ચાલુ રાખવાની કરણી સેનાનાં લોકોની માંગણી મુદ્દે વિવાદ થતા આ હુમલો કરવામાં આવ્યો હતો.

નરોડાની શ્રી હરિ સોસાયટીમાં રહેતા મહેશ મનુભાઈ વ્યાસે નરોડા પોલીસ સ્ટેશનમાં કરણી સેનાનાં યુવા અધ્યક્ષ રાહુલસિંગ, ભોજારામ, કિશન, મનોજ અને મોહિત સોની સહીત 25થી 30નાં ટોળાં વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ મહેશભાઈની સોસાયટીની બહારની બાજુ આવેલી 5 દુકાનો પર મકાન આવેલા છે. મકાનની સીડી સોસાયટીનાં મુખ્ય ગેટ પાસે છે. કોરોના મહામારીનાં પગલે રાત્રે અવરજવર બંધ કરવા ગેટને તાળું મારવામાં આવ્યું હતું.

આ મામલે સોસાયટીનાં રહીશો અને મારવાડી સમાજનાં લોકો વચ્ચે વિવાદ ચાલે છે. મહેશભાઈને આ મુદ્દે ગુરુવારે કરણી સેનાનાં યુવા અધ્યક્ષ રાહુલસિંગે ફોન કરી રસ્તો ચાલુ કરવા ચાવી માંગી હતી. મહેશભાઈએ સાંજે મળીએ તેમ જણાવ્યું હતું. બાદમાં રાહુલસિંગે ગેટનું તાળું તોડી નાખ્યું હતું.

રાત્રે આ બાબતે પોલીસ બોલાવી ભોજારામે સમાધાન કર્યું હતું. બાદમાં બદલો લેવાનાં ઈરાદે ત્રણ કાર અને બાઇકો પર 25થી 30 લોકોનું ટોળું લાકડીઓથી સજ્જ થઈ જય કરણી સેના કરતું સોસાયટીમાં ઘુસ્યું હતું. ટોળાંએ આ સોસાયટીમાં મહિલાઓ અને પુરૂષો પર હુમલો કર્યો હતો. મહિલાઓનાં કપડાં પણ આરોપીઓએ હુમલા દરમિયાન ફાડી નાંખ્યાનો આક્ષેપ ફરિયાદમાં થયો છે.

(11:41 pm IST)