Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રેપ કેસના આરોપી GSP ક્રોપના MDએ પીએસઆઇ શ્વેતા જાડેજાએ 35 લાખ માંગ્યાની ફરિયાદ નોંધાવી

ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો નોંધીને તપાસ એસઓજીને સોંપી : પીએસઆઈ શ્વેતા જાડેજાની આ મામલે એસઓજીએ પૂછપરછ શરૂ કરી

અમદાવાદ: રેપ કેસના આરોપી GSP ક્રોપ કંપનીના MD કેનલ શાહે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા 35 લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ ક્રાઈંબ્રાન્ચમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ એસઓજીને સોંપી છે. પીએસઆઈ શ્વેતા જાડેજાની આ મામલે એસઓજીએ પૂછપરછ શરૂ કરી છે.

GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી. દરમિયાન આ કેસમાં કેનાલ શાહ વિરુદ્ધ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે ફરિયાદ ઓઢવના અર્બુદાનગર રોડ પર હરીનંદન સોસાયટીમાં રહેતા યોગરાજસિંહ ભરતસિંહ રાવલે નોંધાવી હતી. યોગરાજસિંહ અગાઉ GSP ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કઠવાડા ખાતે સિક્યુરિટી એક્ઝિક્યુટિવ તરીકે સાડા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. 2017માં કંપનીના એમડી કેનાલ વી શાહ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતીએ નોંધાવી તે કેસમાં યોગરાજસિંહ સાક્ષી હોવાથી તેઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

 

રેપ કેસ બાદ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ કેનલ શાહ વિરુદ્ધ નોંધાઈ બાદમાં કેનલ શાહએ લેખિત અરજી આપી રજુઆત કરી હતી કે, પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજા પાસે તેઓ વિરુદ્ધ થયેલા બળાત્કારના કેસની તપાસ છે પીએસઆઈ જાડેજાએ તેઓ પાસે રૂપિયા 35 લાખની માગણી કરી જે મુજબ તેઓએ 20 લાખ ચૂકવી દીધા હતા અને અમુક રકમ બાકી હતી. જો પૈસા ના આપું તો બે કેસ થયા હોવાથી પીએસઆઈ જાડેજાએ કેનલ શાહને પાસા હેઠળ જેલમાં પુરવાની ધમકી આપી હતી. આ રજુઆત ને પગલે અરજીની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને પૂરાવા મળ્યા હતા. ક્રાઈમબ્રાન્ચે આરોપી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ક્રાઇમબ્રાન્ચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં અરજદારને પાસા હેઠળ પુરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માગણી કર્યાની અરજી મળી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં પીએસઆઈ શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી હાલમાં તેઓની પૂછપરછ ચાલી રહી છે.

(12:05 am IST)