Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમદાવાદ અને ગાંધીનગરમાં મોડી સાંજે વરસાદ તૂટી પડ્યો

શુક્રવારની વહેલી સવારથી જ વાતાવરણ પલ્ટાયું : સાંજે ભારે પવન ફુંકાયા બાદ અમદાવાદના કુબેરનગર એરપોર્ટ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો

અમદાવાદ, તા. ૩ : છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં વરસાદ હાથતાળી આપીને છટકી ગયા બાદ આજે બપોર બાદ અમદાવાદ-ગાંધીનગરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સાંજે ભારે પવન ફુંકાયા બાદ અમદાવાદના કુબેરનગર એરપોર્ટ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં ગત સપ્તાહમાં વરસાદ ખેંચાતા ભારે ઉકળાટ અને ગરમીથી શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા હતા.

આ દિવસોમાં તાપમાનનો પારો સતત ચડતો જતો હતો. આજે બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા કાળાડિબાંગ વાદળોએ શહેરના આકાશમાં કબજો લઈ લીધો હતો. સાંજ પડતા ઠંડા પવન અને મેઘગર્જના સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા શહેરીજનોએ રાહતના શ્વાસ લીધા હતા. શહેરના નરોડા, વસ્ત્રાલ, સરદારનગર, આશ્રમરોડ, ચાંદલોડિયા, રાણીપ, ગોતા અને એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સાયક્લોનિક સરક્યુલેશનનેકારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. આગાહી મુજબ આગામી ૪, ૫, ૬ જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ રાજ્યમાં પડશે.

(9:25 pm IST)