Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ખંભાત શહેરમાં વિદેશી દારૂના બુટલેગરને પકડવા ગયેલ ત્રણ પોલીસ પર બુટલેગરનો વળતો હુમલો: જવાનોને ગંભીર ઇજા

ખંભાત:શહેરમાં વિદેશી દારૂના બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય ગઈકાલે રાત્રીના સુમારે અકબરપુર ગરનાળા પાસે ત્રણ પોલીસ જવાનો ઉપર હુમલો કરીને તેમને માર મારીને વિદેશી દારૂની પેટી આંચકીને ફરાર થઈ જવાનો પ્રયત્ન કરતાં આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પર બુટલેગરો દ્વારા હુમલો કર્યાની ઘટના સવારે પ્રકાશમાં આવતાં જ પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જીતેન્દ્રભાઈ મનુભાઈ ખંભાત શહેર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રીના સુમારે રોલકોલ પત્યા બાદ તેઓ લલીતભાઈ વિઠ્ઠલભાઈ તથા ઉપેન્દ્રભાઈ મફતભાઈ સાથે શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે એવી માહિતી મળી હતી કે, શક્કરપુર ખાતે રહેતા સાગરભાઈ ભગવાનભાઈ રબારી તથા ઈરશાદ ઉર્ફે ભુરીયો ઉર્ફે માંજરો સત્તારભાઈ મલેક વિદેશી દારૂની ડીલીવરી આપવા માટે બાઈક પર નીકળ્યા છે. જેથી પોલીસે ચકડોળ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક બાઈક નંબર જીજે-૨૩,એબી-૩૭૬૫ ઉપર સાગર ડ્રાઈવીંગ કરીને તેમજ ઈરશાદ પાછળ ખોળામાં વિદેશી દારૂની પેટી લઈને નીકળતા જ પોલીસે તેમને રોકવા માટે ઈશારો કર્યો હતો પરંતુ બન્ને જણાંએ બાઈકને મુક્તેશ્વર તરફ ભગાવી મુકી હતી. જેથી ત્રણેય પોલીસ જવાનોએ બે બાઈકો પર સવાર થઈને પીછો કર્યો હતો અને અકબરપુર તરફ જવાના રોડ પર આવેલા ગરનાળા પાસે બાઈકને આંતરતા જ ઈરશાદે પોતાની પાસેની પેટી પોલીસ જવાનો પર નાંખી હતી. પરંતુ પોલીસે તેમને પકડી પાડતાં ઝપાઝપી થવા પામી હતી. 

(6:01 pm IST)