Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વૃષભ, ગૌરવ અને યામિનીના નાર્કો સહિતના ટેસ્ટની મંજુરી

મેટ્રોપોલિટન કોર્ટનો ખૂબ મહત્વપૂર્ણ હુકમ : કેસની જડ સુધી પહોંચવા માટે આરોપીના વૈજ્ઞાનિક ઢબે પરિક્ષણ જરૂરી હોવાથી ક્રાઇમબ્રાંચે અરજી માન્ય રખાઈ

અમદાવાદ,તા. ૪ : શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં આજે મહત્વનું વધુ એક ડેવલપમેન્ટ સામે આવ્યું હતું. શહેર ક્રાઇમબ્રાંચે આજે આ કેસના ત્રણેય આરોપીઓ વૃષભ મારૂ, ગૌરવ દાલમિયા અને યામિની નાયરને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા હતા અને ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટ, લાઇવ ડિટેકશન ટેસ્ટ અને પોલીગ્રાફિક ટેસ્ટની મંજૂરી  માટે અરજી કરી હતી. ક્રાઇમબ્રાંચ અને આરોપીઓની સમંતિ બાદ મેટ્રોપોલીટન કોર્ટે ત્રણેય આરોપીના આ તમામ ટેસ્ટ કરાવવા માટે તપાસનીશ એજન્સીને મંજૂરી આપી હતી. આમ, આજે આ કેસમાં ક્રાઇમબ્રાંચને કેસનું સત્ય બહાર લાવવાની પ્રક્રિયામાં વધુ એક સફળતા મળી હતી. ચકચારભર્યા સેટેલાઇટ ગેંગરેપ કેસમાં ભોગ બનનાર પીડિતાનું ગઇકાલે જ શહેરની મેટ્રોપોલીટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ-૧૬૪ મુજબનું ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. પીડિતાનું આ નિવેદન બંધબારણે અને ભારે સુરક્ષા વચ્ચે નોંધવામાં આવ્યું હતું. અલબત્ત, પીડિતાના ૧૬૪ના આ નિવેદનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પીડિતાની માંગણી મુજબ આજે આખરે તેનું કલમ-૧૬૪ મુજબ નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓ આ કેસના ત્રણેય આરોપીઓ વૃષભ મારૂ, ગૌરવ દાલમિયા અને યામિની નાયરને લોખંડી સુરક્ષા કવચ વચ્ચે મેટ્રોપોલીટન કોર્ટમાં લઇને પહોંચી હતી અને ત્યાં કોર્ટમાં ત્રણેય આરોપીઓના નાર્કો ટેસ્ટ, લાઇવ ડિટેકશન ટેસ્ટ અને પોલીગ્રાફિક ટેસ્ટની મંજૂરી  માટે અરજી કરી હતી. ક્રાઇમબ્રાંચ તરફથી જણાવાયું હતું કે, આ કેસ ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ છે પરંતુ તેમાં ફરિયાદી પીડિતાના નિવેદન અને ફરિયાદ તેમ જ આરોપીઓના નિવેદન અને પુુરાવાઓ વચ્ચે બહુ મોટો વિરોધાભાસ સર્જાય છે અને તેથી કેસના સત્ય સુધી પહોંચવા માટે આરોપીઓના વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ થાય તે ખૂબ જરૂરી છે. દરમ્યાન આરોપીઓ તરફથી પણ તપાસનીશ એજન્સીની અરજીને સમર્થન આપતાં જણાવાયું હતું કે, તેઓને આ કેસમાં ખોટી રીતે સંડોવી દેવાયા છે. તેથી કેસની સત્ય હકીકતો બહાર આવે તે ખૂબ જરૂર છે. કેસની સત્ય હકીકતો ઉજાગર કરવા અને તપાસનીશ એજન્સીની તપાસમાં સાથ સહકાર આપવાના હેતુથી ઉપરોકત વૈજ્ઞાનિક ઢબના પરિક્ષણ માટે જરૂરી કાનૂની સમંતિ પણ તેઓ આપવા તૈયાર છે. કોર્ટે તેઓ ત્રણેયના નાર્કો ટેસ્ટ, લાઇવ ડિટેકશન ટેસ્ટ અને પોલિગ્રાફિક ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવી જોઇએ., તેની સામે આરોપીઓને કોઇ વાંધો નથી. તમામ પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ મેટ્રો કોર્ટે ક્રાઇમબ્રાંચની અરજી મંજૂર રાખી હતી અને ત્રણેય આરોપીઓના નાર્કો સહિતના ટેસ્ટ કરવાની તપાસનીશ એજન્સીને મંજૂરી આપી હતી.

(7:54 pm IST)