Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

'અમદાવાદ ગેંગરેપ' કેસ દરમિયાન હાઈકોર્ટના જજે 'સુરત ગેંગરેપ' કેસને યાદ કરી આઈજીપી સુભાષ ત્રિવેદીની પ્રસંશા કરી

સામાન્ય 'કલુ' છતા ૨૪ કલાકમાં નિકાલ, પોલીસ પુત્રોના નામ પણ કાઢયા ન હતાઃ ખારા રણમાં મીઠી વિરડીઃ ક્રાઈમ બ્રાંચના જવાબદાર અધિકારીએ ૪૮ કલાકમાં અમદાવાદ ગેંગરેપ કેસનો નિકાલ થશે તેનો અનુભવીઓ એવો અર્થ કાઢે છે કે 'તુમ્હારી ભી જય જય, હમારી ભી જય જય, ન તુમ હારે, ન હમ હારે...' માફક અમદાવાદના ચકચારી કેસમાં બને તો નવાઈ જેવુ નહિ ગણાય

રાજકોટ, તા. ૪ :. સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ સેટેલાઈટ ગેંગરેપની ઘટનાના મુદ્દે સીબીઆઈ તપાસની માંગણી તથા ૧૬૪ કલમ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાની અરજી પીડીતાએ પાછી ખેંચી છે ત્યારે હાઈકોર્ટ જસ્ટીસ શ્રી આર.પી. ઢોલરિયાએ આ મામલામાં નોંધ કરતા જણાવ્યુ કે આ કેસના તપાસ અધિકારીની વર્તણુકના મુદ્દાનો હાલ નિકાલ થયો છે. પીડીતાના ૧૬૪ મુજબના નિવેદનનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે, એવા સંજોગોમાં રિટમાં વધુ કાર્યવાહીને સ્થાન રહેતુ નથી, જો કે પીડીતાને કોઈ વાંધો હોય તો તેઓ કોર્ટ સમક્ષ અરજી કરી શકે છે.

સુનાવણી દરમ્યાન જસ્ટીસ શ્રી આર.પી. ઢોલરિયાએ સીબીઆઈ અને પોલીસ દ્વારા થતી તપાસના બે દાખલા આપી એવી ટકોર કરેલ કે સુરતમાં પોતે હતા ત્યારે ગેંગરેપની ટ્રાયલ ચલાવી હતી.

તેઓશ્રીએ વિશેષમાં જણાવેલ કે સુરત ગેંગરેપની ઘટના સમયે પોલીસ પાસે ફકત એક મોંઘી કારની જ 'કલુ' હતી. સુભાષ ત્રિવેદી નામના અફસર તપાસ અધિકારી હતા. ૨૪ કલાકમાં જ કેસની તપાસ કરી હતી. તેઓએ વિશેષમાં જણાવેલ કે આ ઘટનામાં બે પોલીસ અધિકારીઓના દિકરાના નામ પણ હતા તે પણ રદ કરાયા નહોતા. તેઓનુ કહેવાનુ તાત્પર્ય એ છે કે તપાસ એજન્સી પોલીસ હોય કે સીબીઆઈ તેમા તપાસ ચલાવનાર અધિકારી કોણ છે ? તે મહત્વનુ છે, એવુ અર્થઘટન માનવામાં આવે છે. તેઓએ સીબીઆઈ તપાસના પણ દાખલા આપી તેમા કેવુ ચાલે છે ? તેની પોલ પણ ખોલી હતી. સાંપ્રતમાં જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારી સામે ફરીયાદી આક્ષેપ કરે, તેમને હટવુ પડે તેવા સંજોગો નિર્માણ થાય છે ત્યારે કોર્ટ એવા કિસ્સાની નોંધ લ્યે છે, બીજી તરફ કાઠિયાવાડની ધરતીના અને ગુન્હેગારોના 'કાળ' સમા અને પોસ્ટીંગ માટે કોઈ જાતના સમાધાન ન કરી કડક હાથે ચમ્મરબંધી સામે પગલા લેનાર ગુજરાતના આઈજીપી કક્ષાના સુભાષ ત્રિવેદીની ખુદ હાઈકોર્ટમાં નોંધ લેવાઈ તે નાની સુની ઘટના નથી.નવાઈની વાત એ છે કે, આવા કાર્યદક્ષ અને સ્વચ્છ 'છબી' ધરાવતા આઈપીએસને તેઓની શકિતનો ઉપયોગ કરી સારૃ પોસ્ટીંગ આપવાને બદલે વડોદરામાં આમ્ડર્સ યુનીટ જેવા સાઈડ પોસ્ટીંગમાં રાખવામાં આવ્યા છે. આનાથી બીજી મોટી કરૃણતા શું હોય શકે ?

દરમ્યાન અમદાવાદ ગેંગરેપના મામલે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ કક્ષાના એક અધિકારીએ ૪૮ કલાકમાં પ્રકરણનો અંત આવશે તેવી કરેલ જાહેરાતને 'તુમ્હારી ભી જય-જય, હમારી ભી જય-જય, ન તુમ હારે, ન હમ હારે' જેવો ઉકેલ આવે તેવું થાય તો નવાઈ નહિ તેમ માનવામાં આવી રહ્યુ છે.(૨-૮)

(2:20 pm IST)