Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

કેન્દ્રના હાયર એજ્યુકેશન કમિશન બિલ સામે વિરોધઃ શિક્ષણ મંડળોની બેઠક

યુજીસી એકટને રદ કરી તેના સ્થાને લાવવામાં આવનારઃ આ એકટથી યુનિ.ઓ-કોલેજોની સ્વાયત્તતા છીનવાશે અને શિક્ષણનું સંપૂર્ણ સરકારી કરણ થવા સાથે સત્તાઓનું કેન્દ્રીકરણ પણ થવાનો નિષ્ણાંતોનો ભય

અમદાવાદ તા.૪: દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોનું નિયંત્રણ કરતી અને ગ્રાન્ટ આપતી યુજીસી અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકટને રદ કરી તેના સ્થાને કેન્દ્ર સરકાર હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા એકટ-૨૦૧૮ લાવવા જઇ રહી છે. આ કમિશન એકટના ડ્રાફટમાં સુધારા-વધારા માટે કેન્દ્ર સરકારે યુનિ.ઓ-શિક્ષણવિદો પાસેથી સુચનો મંગાવ્યા છે ત્યારે આ કમિશન એકટ સામે શૈક્ષણિક મંડળો અને સંસ્થાઓએ વિરોધ રજૂ કર્યો છે. આવતીકાલે વિવિધ શૈક્ષણિક મંડળોની આ મુદ્દે એક બેઠક પણ મળી છે.

કમિશનમાં સભ્યોની ચૂંટણી નહી પરંતુ સીલેકશનઃ સરકાર જ કરશે

કેન્દ્રના સૂચિત હાયર એજ્યુકેશન કમિશન એકટ ડ્રાફ્ટ મુજબ કમિશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને અન્ય ૧૨ સભ્યો રહેશે. જેમાં ચેરમેન માટે કેન્દ્ર સરકાર એક સર્ચ કમિટી નિમશે. જેમાં કેબિનેટ સેક્રેટરી અને હાયર એજ્યુકેશન સેક્રેટરી તથા અન્ય શિક્ષણવિદો હશે. વાઇસ ચેરમેન અને અન્ય સભ્યો પણ આજ કમિટી નિમશે. અન્ય સભ્યોમાં ત્રણ સભ્યો કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરશે.જેમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી, સ્કીલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના સેક્રેટરી તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયના સેક્રેટરી રહેશે. અન્ય સભ્યોમાં વિવિધ કાઉન્સિલોના ચેરમેન તથા એક્રિડિટેશન મેળવેલ સંસ્થાઓની ગવર્નિગ બોડીમાંથી બે ચેરપર્સન તેમજ અન્ય જાણીતી યુનિ.ઓના બે કુલપતિઓ અને પ્રોફેસરો તથા ઉદ્યોગપતિ હશે. સભ્યોને દૂર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે. ચેરમેનનો હોદ્દો સરકારના સેક્રેટરી સમકક્ષ ગણાશે.

વિરોધના મુખ્ય મુદ્દાઓ

-તમામ સ્તરે કેન્દ્રને સત્તા હોવાથી રાજ્ય વિષય શિક્ષણ શિક્ષણની બાબતની જોગવાઇનો છેદ ઉડી જશે.

- કમિશનમાં સભ્યો તરીકે ઉદ્યોગપતિઓ પણ મુકાશે.

- કેન્દ્રએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કરારમાં સહી કરી હોવાથી શિક્ષણને હવે વૈશ્વિક વસ્તુ ગણી વેચવામાં આવશે.

- ટેકનિકલ કાઉન્સિલ અને બાર કાઉન્સિલો નહી રહે.

- સત્તાનું કેન્દ્રિકરણ થવાથી ઇન્સપેકટર રાજ વધશે.

- ડ્રાફ્ટનું સુચનો માટે માત્ર દસ જ દિવસ અપાયા છે.

- આ કમિશન એકટ વર્તમાન તમામ કાયદાઓથી ઉપર રહેશે તેવી જોગવાઇ કરાઇ છે.(૪.૨)

(2:19 pm IST)