Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

રાહુલ ગાંધીને ભાઇ ગણાવી અલ્પેશ ઠાકોરે કહ્યું કે મને કોઇ ઠપકો આપી ના શકે

કોંગ્રેસમાં ધારાસભ્યોમાં આંતરિક અસંતોષનો ચરુ ઉકળ્યો છે. કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને બાયબાય કર્યા બાદ હજુ ઘણાં લાઇનમાં છે તેવી ચર્ચાએ જોર પકડયુ છે ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ય પ્રદેશ નેતાગારી સામે બાંયો ખેંચી છે. અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે, મારી કે,કોંગ્રેસમાં મને ઠપકો આપવાની કોઇની હિંમત જ નથી. જો કોઇ ભૂલેચૂકે હિંમત કરશે તો,હું તેને બરોબરનો જવાબ આપીશ, તેવું પ્રસિધ્ધ થયું છે.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પિતા ખોડાજી ઠાકોરની રાજકીય જીદને લીધે જીલ્લા પંચાયત ગુમાર્વીવાનો વારો આવ્યો હતો. આ જ પ્રમાણે,પાટણ જીલ્લા પંચાયત ખુદ અલ્પેશ ઠાકોર જ સાચવી શકયા નહીં પરિણામે છેક હાઇકમાન્ડે તેમનો ઉધડો લીધો હતો. આજે પત્રકાર પરિષદમાં આ મુદ્દે જયારે પ્રશ્ન પૂછાયો ત્યારે અલ્પેશ ઠાકોરે એવી બડાઇ હાંકીકે,મેં એવા કોઇ કામ કર્યા નથી કે,મને કોઇએ ઠપકો આપ્યો હોય.મને ઠપકો આપવાની કોઇની હિંમતે ય નથી.

હદ તો ત્યારે થઇ કે,અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ હાઇકમાન્ડ રાહુલ ગાંધીને પોતાના ભાઇ ગણાવી કહ્યું કે,મારા અને રાહુલ ગાંધી વચ્ચે ભાઇ જેવા સબંધો છે. ભાજપ જવાની ચર્ચાને નકારતાં તેમણે કહ્યું કે,હું નારાજ નથી. તમામ સમાજનું હિત જોઉ છું.એમના કામો ન થાય એટલે નારાજગી ઉભી થાય છે. તેમણે પ્રદેશની નેતાગીરીને સલાહ આપી કે,સિનિયરો સાથે અન્યાય ન થાય તે માટે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાએ સમન્વય રાખવુ જોઇએ.

(12:37 pm IST)