Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

લેન્ડ ગ્રેબિંગ : ૫૬૭ કરોડની કિંમતની ૪૦૦૦ વધુ ફરિયાદો થઇ

ગુજરાતમાં નવો કાયદો અમલી બન્યો તેના પાંચ મહિનામાં જ ફરિયાદોનો ધોધ : ૧૯૬ કેસમાં ૭૨૮ લોકો વિરૂધ્ધ FIR પણ નોંધાઇ છે : ૧૦-૧૪ વર્ષની સજાની જોગવાઇ છે

નવી દિલ્હી,તા. ૪: ગુજરાત સરકાર દ્વારા લોકોને ભૂમાફિયાઓના ત્રાસમાંથી મુકિત મળે તે માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી બનાવવામાં આવ્યો છે. રાજય સરકારે ડિસેમ્બર ૨૦૨૦થી આ કાયદાને અમલી બનાવ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધી રાજયભરમાં જમીન પચાવી પાડવા અંગેની ૪,૦૦૦થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ અરજીઓની કુલ મળીને જમીનની કિંમત ૫૬૭ કરોડ રૂપિયાથી વધુ થાય છે.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે જમીનની ૫૬૭ કરોડ રૂપિયાની કિંમત જંત્રી પ્રમાણે નક્કી કરવામાં આવી છે પરંતુ તેની ખરી કિંમત તેનાથી પણ ઘણી વધારે હોઈ શકે છે.

આ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન જમીન પચાવી પાડવાની કુલ ૪,૧૩૮ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૧૯૬ કેસમાં ૭૨૮ લોકો વિરુદ્ઘ એફઆરઆઈ પણ નોંધાઈ છે. અન્ય અરજીઓ તપાસના વિવિધ તબક્કામાં છે. રાજયના માહિતી વિભાગના સત્ત્।ાવાર રેકોર્ડ પ્રમાણે કુલ ૨૮.૫૫ લાખ સ્કવેર મીટર જમીન પચાવી પાડવામાં આવી છે. રાજય સરકારે અત્યાર સુધી ૭૭ કેસમાં સુઓમોટો દાખલ કરી છે.

આ કાયદાને ઘડવામાં તથા તેના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનારા એડિશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ) પંકજ કુમારે જણાવ્યું હતું કે, રાજય સરકારના નવા લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત આ નવા કાયદાના અમલીકરણ માટે જિલ્લાના સત્ત્।ાધીશોને તાલીમ આપવામાં આવી છે. તમામ લોકોને ન્યાય મળે તે માટે ટોચના સ્તરે તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજય સરકાર જમીન પચાવી પાડવાને લઈને ઓન-લાઈન પણ અરજી સ્વીકારી રહી છે. આ તમામ અરજીઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી તેનો કડકાઈપૂર્વક અમલ કરવામાં આવી શકે.

આ નવા કાયદા અંતર્ગત જમીન પચાવી પડનારાને ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા થઈ શકે છે જે વધીને ૧૪ વર્ષ થઈ શકે છે.

(10:51 am IST)