Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રાજપીપળા નગરપાલિકા દ્વારા લારી, પથારાવાળાના ભાડામા વધારો કરાતા વિરોધ કરવા ટોળું પાલીકા પર પહોંચ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલ રાજપીપલા નગર પાલિકા વેરા વધારવા બાબતે વારંવાર ચર્ચામાં રહી છે રાજપીપળા નગર પાલિકા પાસે સ્વભંડોળના નાણાં નથી તેમજ પગાર કરવા માટે પણ રૂપિયા નથી એ બાબત સાચી પણ છે પરંતુ એ માટે જવાબદાર કોણ..? જેવા અનેક સવાલો ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે.
સત્તા અને વિપક્ષના 24 સભ્યો પૈકી 18 સભ્યોએ નગરજનોના માથે આકરા કરવેરા લાગુ કરવાની મંજુરી આપી દેતાં શહેરીજનોએ ઢગલાબંધ વાંધા અરજીઓ આપીને વિરોધ નોંધાવતા, પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ બોલાવ ને આ બાબતને વિરોધીઓનું કાવતરું ગણાવી હતી અને લોકોના સુચનો સાંભળીને પછી યોગ્ય લાગશે તો નજીવો વેરો વધારીશુ તેવું જણાવ્યું હતું.

પરંતુ એ વાત ની સાહિ હજુ સુકાઈ નથી ત્યાં પાલીકાની હદમાં ઉભા રહેતા લારી, ગલ્લાં અને પથારા વાળાઓ પાસે નવો વેરો ઝીંકવા ની વાત સામે આવી જેમાં વર્ષો થી આ લોકો પાસે 5 રૂ.લઈ પાલીકા રસીદ ફાળતી હતી તેના બદલે હવે 20 રૂ.ઉઘરાવવા ની વાત કરાઈ અને આ 20 રૂ.નું ઉઘરાણું લાગુ કરાતા લોકો માં રોષ જોવા મળ્યો હતો જોકે આ બાબતે પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલે નગર મા ઠેરઠેર નોટીસો ચોંટાડી અને જો નવો વેરો આપવામા નહીં આવે તો લારી,ગલ્લાં અને પથારાં જપ્ત કરવામા આવશે તેવી કાયદાકીય ચિમકી આપતાં લારી, ગલ્લાં અને પથારાં વાળાઓનુ એક ટોળું પાલિકા ઉપર વિરોધ દર્શાવવા પહોંચ્યું હતું.

  પાલીકા પર પહોંચેલા લારી ગલ્લા વાળાઓ એ જણાવ્યું હતું કે એકાએક આ રીતે પાલિકા દ્વારા લારી ગલ્લા નું દોઢસો ગણું ભાડું વધારી દેતા મુશ્કેલી ઉભી થઇ છે આટલું બધું ભાડું અમને પોષાય તેમ નથી વધારવું હોય તો વ્યાજબી વધારો કરાય તેવી મંગણી કરી હતી.

 ત્યારે આ બાબતે પાલિકાના પૂર્વ સભ્ય સંજય માછી એ જણાવ્યું હતું કે હજુ વાંધા અરજી મંગાવાની છેલ્લી તારીખ આવતીકાલે 5 જૂન છે તે પહેલાં પાલિકા દ્વારા લારી ગલ્લાઓ ઉપર તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે તે ખોટું છે ઉપરાંત પાલિકા પ્રમુખે સામાન્ય સભા બોલાવી વેરા બાબતે નિર્ણય લઈશું તેમ જણાવ્યું હતું તો આ કેવો નિર્ણય.?

 જોકે પાલીકા ના ચીફ ઓફિસર જયેશ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે લોકોની લાગણી બાબતે અમે વિચારણા કરી પ્રમુખ સાથે ચર્ચા કરી નિર્ણય લઈશું ત્યા સુધી જે જૂનો વેરો છે તે ચાલુ રહેશે.

(7:11 pm IST)