Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

બબલદાસ પટેલ સહિત મુખ્ય હોદ્દેદારોએ NCP સાથે છેડો ફાડ્યો

બાપુને હટાવી બોસ્કીને પ્રદેશ પ્રમુખ બનાવતા એન.સી.પી.માં વિરોધનો જ્વાળામુખી : પક્ષ થયો ખાલીખમ્મ : પ્રદેશથી લઇ તાલુકા કક્ષાના અગ્રણીઓએ પાર્ટી છોડી : શંકરસિંહજી જે નિર્ણય કરે તેને વધાવશે : ગુજરાતમાં સત્તા પરિવર્તનનો લેવાયો સંકલ્પ

રાજકોટ તા. ૪ : રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય મહામંત્રી પદ તથા ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાને પ્રદેશ પ્રમુખપદેથી હટાવી જયંત બોસ્કીને પ્રદેશ પ્રમુખ બનાવતા જ એન.સી.પી.માં વિરોધનો જ્વાળામુખી ફાટયો છે. આજે કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલ, મહામંત્રી જયપ્રકાશ ઠાકર, રણજીતસિંહ ધિલ્લોન, આઇ.ટી. સેલના પાર્થેશ પટેલ, સોશ્યલ મીડિયા કન્વીનર કલ્પેશ જાની, યુવા પ્રમુખ પંકજ પંચાલ, છાત્ર પરિષદ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સહિત પ્રદેશથી લઇને જિલ્લા તાલુકાના સંગઠન હોદ્દેદારોએ રાજીનામા ધરીને એન.સી.પી. સાથે છેડો ફાડતા ખળભળાટ મચી ગયો છે.

બાપુના સમર્થનમાં પ્રદેશથી લઇને જિલ્લા, તાલુકાના મોટાભાગના હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા ગુજરાત એન.સી.પી. એકમ ખાલીખમ્મ બની ગયું છે. દરમિયાન આજે આ લખાય છે ત્યારે ગાંધીનગર ખાતે બાપુની પત્રકાર પરિષદ શરૂ થવા જઇ રહી છે ત્યારે બાપુ કેવા પત્તા ખોલે છે તે અંગે ભારે રાજકીય ઉત્તેજના ફેલાઇ છે.

ગુજરાત એકમના કાર્યકારી અધ્યક્ષ, પ્રદેશના મોટાભાગના હોદ્દેદારો, તમામ પાંખના વડા સહિતના સંગઠન તાલુકા જિલ્લા કક્ષાના આગેવાનોએ રાજીનામા ધરી દઇને એકી સૂરે એવી વાત જણાવી છે કે, ગુજરાતમાં હાલ રાજકીય શૂન્યાવકાશ હતો અને વિરોધનો સૂર ઉઠાવવામાં બાપુએ સરકારને ઢંઢોળીને દારૂબંધી, શ્રમિકોના પ્રશ્નો સહિતની બાબતે સક્રિયતા દાખવતા રાજકીય પ્રપંચો શરૂ થયા હતા ત્યારે હવે બાપુ ભવિષ્યનાં અભિયાનો અંગે નિર્ણય કરે તેમાં અમારો સૌનો તન-મન-ધનથી ટેકો રહેશે.

એન.સી.પી.માં છેલ્લા ચારેક દિવસથી જોરદાર આંતરિક વિખવાદ અને નારાજગીનો વિરોધ વંટોળ ઉભો થયો છે. ગઇકાલથી જ કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલ, જયપ્રકાશ ઠાકર (મહામંત્રી), રણજીતસિંહ ધિલ્લોન, શરદભાઇ, આઇ.ટી. સેલના પાર્થેશ પટેલ, સોશ્યલ મીડિયાના કલ્પેશ જાની, કપીલ શાહ, હિમાંશુ વ્યાસ, યુવા પાંખના પ્રમુખ પંકજ પંચાલ, છાત્ર પરિષદના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સહિત મોટાભાગના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે.

મોટાભાગના હોદ્દેદારો - આગેવાનોએ એન.સી.પી. સાથે છેડો ફાડી નાખ્યો છે ત્યારે શંકરસિંહજી વાઘેલા હજુ એન.સી.પી. નહી છોડવાના મૂડમાં હોવાનું વધુ ઝનૂનથી ગુજરાતના પ્રશ્નો અંગે અભિયાન ચલાવવાનો ઇરાદો ધરાવતા હોવાનું મનાય છે.

આજની પત્રકાર પરિષદમાં બાપુ પણ પોતાના મનમાં રહેલી હૈયાવરાળને આક્રોશ સ્વરૂપે જાહેર કરે તેમ પણ મનાય છે ત્યારે રાજ્યભરના એન.સી.પી.માં રહેલા તથા અંગત સમર્થકોએ બાપુ પ્રત્યે વફાદારી દર્શાવી બાપુ જે નિર્ણય કરશે તેને સહર્ષ વધાવી લેવા મક્કમતા દર્શાવી છે.

એન.સી.પી. સાથે છેડો ફાડનાર અગ્રણીઓ એવું ચર્ચી રહ્યા છે કે બાપુ જેવા કદાવર અને ધરતી સાથે જોડાયેલા નેતાના હાથમાં સુકાન જતા એન.સી.પી.માં નવા જોમ અને પ્રાણ ફુંકાતા હતા પરંતુ બાપુની સક્રિયતા ગુજરાતને કોરી ખાતા તત્વોને ખટકી હતી અને સેવાકીય હવનમાં હાડકા નાખવાના પ્રયાસો કર્યા છે.

બાપુ સમર્થકોમાં ચર્ચાતી વિગતો મુજબ વાઘેલાએ ખેડૂતો, કોરોનાગ્રસ્તો, સિવિલ હોસ્પિટલ, શ્રમિકો, દારૂબંધી, એપીએમસી અંગે તથા આદિવાસીઓના પ્રશ્ને અવાજ ઉઠાવતા આ અવાજને રૃંધાવી દેવાના પ્રપંચોમાં ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોએ ચોક્કસ પરિબળોએ આદરેલા પ્રયાસોને સફળ થવા નહી દેવાય.

(12:54 pm IST)