Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ભાજપ રેડી ફોર ઓપરેશનઃ બે-ત્રણ કોંગી ધારાસભ્યોના રાજીનામા ?

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં ગરમાવોઃ તોડફોડના પ્રયાસો તેજ : કરજણના અક્ષય પટેલ, ઠાસરાના કાંતીભાઈ પરમાર અને કપરાડાના જીતુ ચૌધરીની નારાજગીનો લાભ લેવા પ્રયાસ

રાજકોટ, તા. ૪ :. ગુજરાતમાં તા. ૧૯ જૂને યોજાનાર રાજ્યસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી પૂર્વે રાજકીય નવાજૂની નિશ્ચિત બની છે. ગયા માર્ચમાં ભાજપે કોંગ્રેસના ૫ ધારાસભ્યોને ખેડવ્યા બાદ હવે બીજા બે-ત્રણ ધારાસભ્ય તરફ નજર દોડાવી છે. આજે અથવા એકદમ નજીકના ભવિષ્યમાં ફરી રાજીનામાનો દોર શરૂ થાય તેવા ભણકારા સંભળાય છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસથી ખૂબ નારાજ હોવાનું માલૂમ પડતા ભાજપે તેની નારાજગીનો લાભ લેવા પ્રયાસો શરૂ કર્યાનું જાણવા મળે છે.

રાજ્યસભાની ચાર બેઠકો પૈકી બે ભાજપને અને એક કોંગ્રેસને મળવાનું નિશ્ચિત છે. બાકીની એક બેઠક માટે કસોકસની લડાઈ છે. કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તથા ભાજપના નરહરિ અમીન તે ત્રણ પૈકી કોઈપણ બે જીતી શકે તેમ છે. બન્ને પક્ષે એડીચોટીનું જોર લગાવ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્યો ખેડવી ભાજપની ત્રીજી બેઠકની જીતને નિશ્ચિત કરવા દિલ્હીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ-ગાંધીનગરમાં ઓપરેશન ચાલી રહ્યુ છે. આજે જ એક બે ધારાસભ્ય રાજીનામા આપે તેવી પ્રબળ શકયતા છે. કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર સંભવિત ધારાસભ્યોની ચર્ચામાં ઠાસરાના કાંતીભાઈ પરમાર અને કપરાડાના જીતુભાઈ ચૌધરીનું નામ ઉમેરાયાનું જાણવા મળે છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(11:23 am IST)