Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

જુનના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમનઃ ગરમીઅે અરવલ્લી જિલ્લામાં અેકનો ભોગ લીધો

અમદાવાદ :રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે વરસાદનું આગમન થશે તેની આગાહી કરી છે.

જૂનના છેલ્લા સપ્તાહમાં વરસાદનું આગમન

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, કેરળમાં 6 જૂનના રોજ ચોમાસાનું આગમન થશે. ત્યારે ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં વરસાદનું આગમન થશે. દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

ક્યાં કેટલો ગરમીનો પારો

- ગાંધીનગરમાં 43 ડિગ્રી

- રાજકોટમાં 42 ડિગ્રી

- અમદાવાદમાં 44 ડિગ્રી

- વડોદરામાં 41 ડિગ્રી

- સુરતમાં 34.6 ડિગ્રી

- ડીસામાં 43.2 ડિગ્રી

- ભૂજમાં 41.8 ડિગ્રી

- અમરેલી 42.9 ડિગ્રી

સુરતના વાતાવરણમાં પલટો

ગરમીના વધી રહેલા પારા અને ઓરેન્જ એલર્ટ વચ્ચે અચાનક સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરતમાં વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યુ હતું. પણ સુરતીઓ માટે આનંદના સમાચાર હતા. કારણ કે, વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. લોકો બફારાના કારણે ત્રસ્ત થઈ ગયા છે અને હાલ કાગડોળે રાહ જોઈને બેસ્યા છે કે, ક્યારે વરસાદ આવશે.

ગરમીથી એકનું મોત

વરસાદની આગાહી તો જુનના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવી છે, પણ હાલ ગુજરાતમાં ગરમીનો પારો વધી જતા લોકોના હાલ બેહાલ થયા છે. આવામાં અરવલ્લી જિલ્લામાં ગરમીથી એકનું મોત નિપજ્યું છે. અરવલ્લીના મેઘરજના ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. ગરમીથી એકાએક તબિયત લથડતા તેને અમદાવાદમાં ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ચૂરુમાં 50.8 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. સમગ્ર દેશમાં સૌથી વધારે તાપામાન રાજસ્થાનના ચુરુમાં ગરમી નોંધાઈ. ગરમીથી બચવા માટે લોકોએ ઠંડા પાણીનો સહારો લીધો છે. તો ફાયર વિભાગે રસ્તા પર પાણી છાંટવાની કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેકટરે લોકોને બહાર નીકળવાની સૂચના આપી છે.

(5:14 pm IST)