Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઇંધણની કિંમતમાં વધારો અને ખેડૂતોની હડતાળથી શાકભાજીના ભાવમાં ભડકો: રસોડાનું બજેટ ખોરવાયું

રાજકોટ :પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો માર અને ખેડૂતોની દેશવ્યાપી હડતાળને પગલે શાકભાજીની આવક ઓછી થતા  શાકભાજીના ભાવો ભડકે બળી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીના જથ્થામાં ભારે ઘટાડો થતાં શાકભાજીના ભાવો સીધા જ ત્રણથી ચાર ગણા થઇ ગયા છે. શાકભાજીના ભાવોને કારણે રસોડાની રાણીનું બજેટ ખોરવાઇ ગયું છે.

 પડતર માંગણીઓને લઇને ખેડૂતોની દેશવ્યાપી હડતાળને કારણે દૂધ, ફળ તેમજ શાકભાજીની ખરીદી-વેચાણ બંધ થઇ જતાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઇ છે. અમદાવાદમાં બહારના રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટી જતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. શ

હાલમાં ચાલી રહેલા શાકભાજીના ભાવોમાં જે કોથમીર 4-5 દિવસ પહેલા 20 રૂપિયે કિલોના ભાવે મળતી હતી.તે કોથમીરના ભાવ સીધા જ પાંચ ગણા એટલે કે 100 રૂપિયા થઇ ગયા છે. તો વટાણાનો અગાઉનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલમાં વટાણાના ભાવ પણ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો 15 રૂપિયે કિલો મળતા ટમેટાના પણ સીધા જ ડબલ ભાવ એટલે કે 30 રૂપિયા થઇ ગયા છે. તો વાલોરનો ભાવ પહેલા 30 રૂપિયા પ્રતિ કિલો હતો. જે હાલમાં 70 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે. તો મરચાનો અગાઉનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હાલમાં મરચાના ભાવ પણ 50 રૂપિયા થઇ ગયા છે.

 અમદાવાદમાં દરરોજ મહારાષ્ટ્રથી 15 થી 20 ટ્રક ભરીને શાકભાજીની આવક થતી હોય છે. પરંતુ હાલમાં હડતાળને પગલે એકાદ-બે ટ્રક જ પહોંચી રહી છે. પરિણામે સ્ટોરેજમાં પડેલા શાકભાજીના ભાવમાં જંગી વધારો કરાયો છે. શાકભાજીની આવક ઘટતા ભાવો વધ્યાં હોવાનુ શાકભાજીના વેપારીઓનું કહેવું છે.

(9:29 pm IST)