Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ગુજરાતમાં ૧૧૫ દવા ઉત્‍પાદક એકમો આવશે

ચીનમાંથી આયાત ઘટાડવા માટે મહત્‍વપૂર્ણ : લોકડાઉન પછી આ સેકટરમાં ૨૦૦૦ કરોડનું થયું રોકાણ

અમદાવાદ તા. ૪ : પોતાની આયાતની નિર્ભરતા ઘટાડવા ગુજરાતના દવા ઉદ્યોગનું પરિદૃષ્‍ય ટુંક સમયમાં બદલાઇ જશે. કોરોના લોકડાઉન પછી બલ્‍ક ડ્રગ બનાવવા અને એકટીવ ફાર્માસ્‍યુટીકલ ઇન્‍ગ્રેડીયન્‍ટસ (એપીઆઇ)ના ઉત્‍પાદન માટે ૧૧૫ નવા પ્‍લાન્‍ટને લાયસન્‍સ આપવામાં આવ્‍યા છે. જેના માટે રાજ્‍યમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. અત્‍યારે કામ કરી રહેલ કંપનીઓએ કાચા માલ માટે ચીનથી આયાત પર મોટો આધાર રાખવો પડે છે. ગુજરાતના ફુડ એન્‍ડ ડ્રગ્‍સ કંટ્રોલ એડમીનીસ્‍ટ્રેશન (એફડીસીએ)ના કમિશનર એચ.જી. કોશીયાએ કહ્યું કે, અત્‍યારે ગુજરાતમાં કુલ ૩૪૧૫ દવા ઉત્‍પાદક યુનિટોમાંથી ૧૫૬૭ બલ્‍ક ડ્રગ ઉત્‍પાદક છે. છેલ્લા બે વર્ષમાં અમારા વિભાગે ૨૮૮ નવા ફાર્મા ઉત્‍પાદક યુનિટોને મંજૂરી આપી છે. જેમાંથી ૪૦ ટકા એપીઆઇ (કાચો માલ) ઉત્‍પાદન કરશે.

તેમણે કહ્યું કે, ગુજરાત અને ભારતનો ફાર્મા ઉદ્યોગ અત્‍યારે વીટામીન, એન્‍ટીબાયોટીકસ અને સ્‍ટેરોઇડના કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. હવે આ નવા યુનિટો શરૂ થતા તેમાં મોટો ઘટાડો થશે. એકવાર એપીઆઇ પાર્ક શરૂ થશે એટલે મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા માટે આવશે.

ગુજરાત એફડીસીએ અનુસાર ૨૦૧૯-૨૦ સુધી અહીં દર વર્ષે સરેરાશ ૩૦ નવા એપીઆઇ ઉત્‍પાદક યુનિટો આવતા હતા જે હવે લગભગ બમણા થઇ ગયા છે.

ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે, કોરોના મહામારી પછી ચીનથી આવતા સપ્‍લાયમાં તકલીફના કારણે એપીઆઇના ભાવોમાં અચાનક વધારો થઇ ગયો છે. જો ગુજરાતમાં ભારતીય એપીઆઇનું ઉત્‍પાદન વધશે તો દવાઓના ભાવો પણ ઘટશે. સુત્રો અનુસાર સેફાલોસ્‍પોરીન્‍સ, સ્‍ટેરોઇડસ, ઇનઓર્ગેનીક સોલ્‍ટસ, પ્રોટોન પંપ ઇન્‍હીબીટર્સ, એનાલ્‍જેસીકસ, એન્‍ટીપાયરેટીકસ અને પેરાસીટામોલ, ડાયકલોફેનેક સોડીયમ, એસીલોફેનાક, આઇબુપ્રોફેન, એન્‍ટી હાયપરટેન્‍સીવ્‍સ, એન્‍ટી-ડાયાબીટીસ અને એન્‍ટી-વાયરલ્‍સ જેવા એન્‍ટી ઇન્‍ફલેમેટરી ડ્રગ્‍સ મોટાભાગે આયાત કરવા પડે છે. નવા યુનિટો શરૂ થતાં આ ઉત્‍પાદનો ગુજરાતમાં ઉત્‍પાદન થવા લાગશે.

(1:29 pm IST)