Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

લાંચ કેસમાં ઝડપાતા ત્રીજા ભાગના અધિકારીઓ '' ફિફટી પ્લસ''

એસીબીએ એપ્રિલ સુધીના ૪ મહિનામાં ૯૭ કેસ કર્યાઃ આ કેસોની તપાસમાં જાણવા મળ્યુ કે ૪૫ થી ૫૫ વર્ષના અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધુ છે. તેમા ત્રીજા ભાગના એટલે કે ૩૩ અધિકારી ૫૦ અને તેથી વધુ વયના છે. યુવાન અધિકારી-કર્મચારીઓનું પ્રમાણ ઓછું

અમદાવાદઃ લાંચ રૂશવત વિરોધી બ્યુરોએ હાથ ધરેલી ઝુંબેશમાં લાંચ લેતા ૫૧ અને તેથી વધુ વયના ૩૩ અધિકારી ઝપટે ચડયા છે. આમાં નિવૃત બાદ પણ સરકાર તરફથી કેટલાક અધિકારઓ પણ છે. સૌથી વધુ ૩૬ થી ૩૫ વર્ષના ૪૪ વ્યકિત સામે ગુના નોંધાયા છે. જો કે તેમાં વચેટીયાઓનો પણ સમાવેશ  થયો હોવાનું અમદાવાદના અખબારોમાં  પ્રસિધ્ધ થયું છે.

 એસીબીના અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહયું કે ૫૧ વર્ષથી વધુ વયની વ્યકિતઓને નોકરીનો સમય ઓછો બચ્યો હોવાથી છેલ્લા સમયે પૈસા ભેગા કરવાની લાલસા જાગે છે. તેના કારણે જ તેઓ રીતસરની ઉઘરાણી ચાલુ કરે છે. તેમાય નોકરી પુર્ણ કર્યા બાદ ફરજમાં ચાલુ રાખનારા અધિકારીને સરકારી લાભો ચુકવાઇ ગયા હોવાથી ડર ઓછો થતો જાય છે. તેની  સાથે સરકારે તેમની જરૂરીયાત વધુ હોવાનું  કારણ પણ તેમને હિંમત પુરી પાડે છે. લાંચ રૂશવત વિરોધી બ્યુરોએ લાંચ સ્વીકારવા બદલની ઝુંબેશ તેજ બનાવી છે. એપ્રિલ, ૨૦૧૮સુધીના ૪ મહિનામાં એસીબીએ સમગ્ર ગુજરાત રાજયમાં ૯૭ કેસ કર્યા હતા. તેમા ૧૮૦ આરોપી પાસેથી ૨૦.૮૯ લાખની રકમ સ્વીકારવા બદલના કેસો કર્યા છે. ૧૨૩ આરોપી પકડાયા છે. જયારે ૫૮ને પડકારવાના બાકી છે.

 લાંચ સ્વીકારવામાં યુવા વર્ગ સામે ઓછા ગુના નોંધાવવા બદલનું કારણ જણાવતા અધિકારીએ નામ નહિં આપવાની શરતે જણાવ્યું કે મહમેહનતે સરકારી નોકરી મળી હોવાની સાથે તેમની જવાબદારી પણ સમિતિ હોવાથી તેઓ લાંચ લેવાનું ટાળે છે. તેની સામે જવાબદારી વધવાની સાથે આધેડ વયે પહોંચેલી વ્યકિતઓમાં નોકરીમાં ખાસ્સો સમય ગયો હોવાથી લાંચ લેવાની હિંમત વધતી જાય છે.

 ગુજરાતમાં સૌથી વધુ ગાંધીનગર એકમે ૨૦ કેસ કર્યા છે.  જયારે વડોદરા એકમે ૧૮ કેસ કરીને ૩૦ વ્યકિત સામે ગુનો નોંધ્યો છે. સુરત એકમે ૧૬ કેસ કરીને ૩૪ આરોપી સામે અને રાજકોટ એકમે ૯ કેસ કર્યા છે. જુનાગઢ એકમ ૯ કેસ કર્યા છે. ભુજ એકમે ૧૪ કેસ કરીને ૨૨ આરોપી સામે ગુનો નોંધ્યો છે.

 એસીબીએ કચેરીમાં સર્ચ કરીને નિગમના ૬૧ વર્ષના જોઇન્ટ ડાયરેકટર કે સી. પરમારને રોકડા રૂ. ૫૫ લાખ સાથે ઝડપ્યા હતા. અને ૫૮ વર્ષીય દેત્રોજાને શહેર ક્રાઇકબ્રાંચે પકડીને એસીબીના હવાલે કર્યા છે. ઉલ્લેખનીય છે કે સી. પરમારને નિવૃત બાદ સરકારે ત્રણ વર્ષનું એકસટેન્સન આપ્યું હતું.

 જમીન વિકાસ નિગમના ત્રણ પ્રકારે ભષ્ટાચાર થતો હતો. તળાવોના કામો ન થયાં હોય તેમ છતા કામ બતાવી રકમ એકઠી કરાતી. ખેડુતના નામનું ખાતુ ખોલાવીને કામના પેૈસા તે ખાતામાં નાખીને ઉપાડી લેવાતા. થોડુ કામ બતાવીને નાણાં લેવાતાં હતા. અમદાવાદ ગ્રામ્ય, નસવાડી, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, ગોધરામાં આ પ્રકારનું કોભાંડ સૌથી વધુ ચાલતુ હોવાનું જાણવા મળ્યું છે.

(2:59 pm IST)