Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

શિક્ષણ ફીને બદલે ઇત્તર પ્રવૃત્તિની ફી નક્કી કરવા શાળા સંચાલકોનું મનોમંથન

ફી નિર્ધારણના કાયદામાં સમિતિ દ્વારા કેટલાક ફેરફાર થશેઃ સરકાર દ્વારા પણ નવી નીતિ ઘડાશેઃ ૧૪મીએ ફરી બેઠક

રાજકોટ તા. ૪ : શિક્ષણ ફીને બદલે શાળાઓમાં થતી ઇત્તર પ્રવૃત્તિની ફી નક્કી કરવા શાળા સંચાલકોને નવી ફોર્મ્યુલા તૈયાર કરવા મનોમંથત શરૂ કર્યું છે.

ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ કમિશ્નર સુનયના તોમર, એટર્ની જનરલ કમલભાઇ ત્રિવેદી, સચિવ અજય ભટ્ટ સાથે ખાનગી શાળા સંચાલકો રાજકોટના અજયભાઇ પટેલ, જતીનભાઇ ભરાડ, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, ડો. રશ્મીકાંતભાઇ મોદી, વડોદરાના અર્ચીતભાઇ ભટ્ટ, વિવેકભાઇ, સુરતના પ્રદિપભાઇ ખીમાણી, સવજીભાઇ પટેલ, તુષારભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગઇકાલે મળેલી મહત્વની બેઠકમાં રાજ્ય સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું હતું. સરકારે ઇત્તર પ્રવૃત્તિની ફી નક્કી કરવા માટે ખાનગી શાળાના સંચાલકો માળખુ તૈયાર કરે અને રાજ્ય સરકાર પણ ઇત્તર પ્રવૃત્તિની કેટલી ફી હોય તે નક્કી કરવી જોઇએ? તે અંગે ૧૪મીએ ફરી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરીને ફીનું બંધારણ નક્કી કરવા મન મનાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ગત ૨૫મી એપ્રિલે ઓર્ડર કરતા સરકાર અને સંચાલકોને સાથે મળીને એક ફિકસ ફોર્મ્યુલા નક્કી કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમે સ્કુલોના સરપ્લસ બાબતે પણ ટકોર કરી હતી. સુપ્રીમના આદેશ પ્રમાણે સંચાલકો અને સરકારે સાથે મળીને ચર્ચા કરવાની હોઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સંચાલક મંડળના પ્રતિનિધિઓની બેઠક મળી હતી.

જેમાં મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણ મંત્રી તથા પ્રાથમિક શિક્ષણના અગ્રસચિવ તથા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના ચાર ઝોન પ્રમાણેના ચાર સંચાલક મંડળના જુદા જુદા ૭ જેટલા પ્રતિનિધિઓ હતા. સરકાર અને સંચાલકો વચ્ચે અડધો કલાક મીટીંગ ચાલી હતી. જેમાં મુખ્યમંત્રીએ સંચાલકોએ વાલીઓના હિતનું ધ્યાન રાખીને અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે રીતે ફી નક્કી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં સંચાલકોએ ઇત્તર પ્રવૃત્તિ ફી માટેની પોતાની એક ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરીને સરકારને સોંપવી તેવું નક્કી કરાયું હતું. આગામી દસ દિવસ બાદ ફરીથી ગાંધીનગરમાં સંચાલકો સાથે એક બેઠક મળશે.

(1:03 pm IST)