Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

જામનગરના વકીલની હત્યાના સંદર્ભે

હાઇકોર્ટ વકીલ મંડળના પ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત

પ્રમુખ વિરુધ્ધ ૮૦ જેટલા વકીલોએ પ્રસ્તાવ મુકયો

અમદાવાદ તા.૪: જામનગરમાં કિરીટ જોશી નામના વકીલની હત્યાના મુદે કોર્ટના કામકાજથી અળગા રહેવાના મુદે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોશીયેશન (ઘા) ના પ્રેસિડેન્ટ અસીમ પંડયા વિરૂધ્ધ ૮૦ જેટલા એડવોકેટસે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકતા વિવાદ ઉભો થયો છે. આ મુદે નિર્ણય કરવા હવે આવતીકાલે એકસ્ટ્રા ઓડ્રિનરી જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સભ્યોને ઉપસ્થિત રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.

 

આ સમગ્ર મુદે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોશીએશનની એક બેઠક મળી હતી. જેમાં મૃતક વકીલ કિરીટ જોશીને શ્રધ્ધાંજલિ પાઠવામાં આવી હતી. ત્યારબાદ ઘાના સભ્યો દ્વારા કિરીટ જોશીની હત્યાના વિરોધમાં વકીલોએ કામકાજથી અળગા રહેવું જોઇએ એવો પ્રસ્તાવ મુકયો હતો. જો કે, પ્રેસિડેન્ટ આ પ્રસ્તાવ પ્રત્યે સંમતિ દર્શાવી નહોતી. તેથી ઘાના સભ્યોનું કહેવુ છે કે, 'પ્રેસિડેન્ટ દ્વારા જે વલણ અપનાવવામાં આવ્યું છે એ અયોગ્ય છે અને તેઓ પ્રસ્તાવ નકારીને બેઠકમાંથી જતા રહ્યા હતાં'જયારે કે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રેસીડેન્ટ અસીમ પંડયાએ જણાવ્યું હતું કે, 'મેં વકીલ સભ્યોને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વકીલો હડતાળ પર જઇ શકે નહી. છતાં જો કામકાજથી અળગા રહેવું હોય તો વકીલોએ લેખિતમાં રજુઆત કરવી જોઇએ. પરંતુ કોઇએ લેખિતમાં રજુઆત કરી નથી. એટલું જ નહીં તેમની વિરુધ્ધના અવિશ્વાસના પ્રસ્તાવની દરખાસ્ત પણ ગેરકાયદેસર છે. આ મુદે જરૂર જણાશે તો તેઓ કાયદાકીય પગલા પણ લેશે.(૧.૭)

(11:53 am IST)