Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સુરતમાં ગેસ પર પેટ્રોલ ઢોળાતા સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગ ભભૂકી ઉઠી :માતા-પુત્રી દાઝ્યા

માળીયામાં રહેલા ડબ્બામાંથી પેટ્રોલ ઢોળાતા આગ લાગી :

સુરત : સુરતના પાંડેસરા વિસ્તારનાં ગણેશનગરમાં એક મકાનમાં ગેસ ચાલુ હતો ત્યારે ઉપર માળીયામાં રહેલા એક ડબ્બામાંથી પેટ્રોલ ઢોળાતા આગ ભભૂકી ઉઠી હતી પહેલા આગ ડબ્બા અને ત્યારબાદ રસોડામાં લાગી ગઇ હતી. ત્યાર બાદ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા પુત્રી દાઝી દયા હતા.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગણેશનગરમાં નસરુદ્દીન અંસારી પોતાના પરિવાર સાથે ત્રીજા માળે રહે છે. દરમિયાન તેના પત્ની રસોઇ બનાવી રહ્યા હતા. જો કે ઉપર માળીયામાં રહેલા ડબ્બામાંથી અચાનક પેટ્રોલ નીચે ઢોળાવા લાગ્યું હતું. જોત જોતામાં આગનો ભડકો થયો હતો અને સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા પુત્રી સામાન્ય ઘાયલ થયા હતા.

તત્કાલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે માતા પુત્રીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ બંન્નેની સ્થિતી સામાન્ય હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે હાલ તો માળીયામાં પેટ્રોલ શા માટે રખાયું હતું તે અંગે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે.

(10:17 pm IST)