Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોલેજોમાં પણ પરીક્ષા વગર પરિણામ આપવા વિચારણા

આગામી સપ્તાહમાં નિર્ણય લેવાય તેવી શક્યતા : તમામ યુનિવર્સિટીના કુલપતિ સહિતના શિક્ષણશાસ્ત્રીઓ પાસેથી શિક્ષણ વિભાગે જરૂરી સલાહ સૂચન મંગાવ્યા છે

અમદાવાદ,તા. ૩ : ગુજરાત રાજ્યની યુનિવર્સિટીની પરીક્ષામાં કોરોનાના કારણે અડચણ ઉભી થતાં અંતે કોલેજમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં પરંતુ પ્રોરેટા મુજબ પરિણામ જાહેર કરવાની દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. આ માટે શિક્ષણવિભાગ તરફથી રાજયની તમામ યુનિવર્સિટીના કુલપતિ સહિતના શિક્ષણશાસ્ત્રીઓ પાસેથી જરૂરી સલાહ સૂચનો મંગાવ્યા છે. આગામી અઠવાડિયામાં આ અંગેનો નિર્ણય જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા જૂનમાં લેવાનો પણ નિર્ણય થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોનાના પ્રવર્તી રહેલા કહેરના કારણે લોકડાઉન હોવાથી રાજ્યની વિવિધ યુનિવર્સિટીની પરિક્ષાઓ અટવાઈ ગઈ છે,

        આ ઉપરાંત લોકડાઉન લાંબું ચાલે તેવી દહેશતને ધ્યાનમાં રાખી કોલેજની પરીક્ષાઓનો વિકલ્પ વિચારમાં આવી રહ્યો હતો. જેમાં પરીક્ષા લેવામાં ના આવે તો વિદ્યાર્થીઓને પરિણામ કેવી રીતે આપવા, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીના કુલપતિથી માંડીને શિક્ષણ વિભાગના અધિકારીઓએ મનોમંથન કરી રહ્યા છે. જેમાં એક એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે, અંડર ગ્રેજ્યુએટની પરીક્ષા રદ કરીને પ્રોરેટા મુજબ પરીણામ આપવું, જેમાં પહેલા અને બીજા સેમેસ્ટરના પરિણામોના મૂલ્યાંકન કરી ત્રીજા સેમેસ્ટરનું પરિણામ આપવું, આ જ પ્રમાણે જો ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થી હોય તો પહેલા, બીજા અને ત્રીજા સેમેસ્ટરના આધારે ૪થા સેમેસ્ટરનું રિઝલ્ટ આપવું. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પરીક્ષા લેવી જરૂરી હોય,

       તેની પરીક્ષા જૂન મહિનામાં લેવી, કેમકે, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી મહત્વની હોય છે અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોય છે તેથી આ પરીક્ષા જૂન મહિનામાં લઈ શકાય. આ તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી રહી છે જેના આધારે આગામી અઠવાડિયામાં કોલેજ પરીક્ષાનો આખરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો શિક્ષણવિભાગની માંગને લઇ કુલપતિ સહિતના શિક્ષણશાસ્ત્રીઓએ આ મામલે યોગ્ય હલ અને નિરાકરણ લાવવાની દિશામાં વિચારણા શરૂ કરી છે.

(8:54 pm IST)