Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

રૂપાણી સરકારનો વિક્રમઃ ૪ દિ'માં ૩ કરોડથી વધુ લોકોને રાશન વિતરણઃ ૩.૪૦ લાખ BPL કાર્ડ ધારકો માટે વધારાનો લાભ

આજે બપોર સુધીમાં પ૧ લાખ પરિવારોને રાશન મળી ગયુ, સાંજ સુધીમાં આંકડો ૬૦ લાખે પહોચશે : રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના સિકકા વગરના કાર્ડ ધારકોને પણ ઘઉં, ચોખા, દાળ અપાશે

રાજકોટ, તા. ૪ :. રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને ગરીબ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ચણાની દાળ, નીમક વગેરે વસ્તુઓનું વિનામૂલ્યે તા. ૧ એપ્રિલથી વિતરણ શરૂ કર્યુ છે. આજે બપોર સુધીમાં ૫૧ લાખ જેટલા પરિવારોને વિતરણ થઈ ગયુ છે. સાંજ સુધીમાં આ આંકડો ૬૦ લાખ આસપાસ પહોંચી શકે છે. રાજ્યમાં ૪ દિવસમાં ૩ કરોડથી વધુ લોકોને જીવન જરૂરી વસ્તુઓ વિનામૂલ્યે અપાઈ ગઈ હોય તેવો નવો ઈતિહાસ સર્જાયો છે. વિતરણની મુદત આખા એપ્રિલ માસ સુધીની છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૬૫.૪૦ લાખ જેટલા રેશનકાર્ડ ધારક પરિવારો છે જેની જનસંખ્યા ૩.૨૫ કરોડ જેટલી થાય છે. જેમાંથી સરકારી રાશનનો ૬૦ લાખ જેટલા રેશનકાર્ડ ધારકો લાભ લેતા હોય છે. પ્રથમ ૪ દિવસમાં આજે બપોર સુધીમાં ૫૧ લાખ જેટલા પરિવારોનો મળવાપાત્ર વસ્તુઓ અપાઈ ગઈ છે. સાંજ સુધીમાં લગભગ વિતરણ પૂર્ણ થઈ જશે. હાલ ૧૭૦૦૦ જેટલી દુકાનો સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. આવતીકાલે રવિવારે રાત્રે ૯ વાગ્યે દીવડા પ્રગટાવવા માટે વડાપ્રધાને આહવાન કર્યુ હોવાથી કાલના દિવસ પુરતો સમય રાત્રે ૮ વાગ્યા સુધીનો રહેશે. બાકી રહી ગયેલા રેશનકાર્ડ ધારકોને આખા એપ્રિલમાં ગમે ત્યારે મળવાપાત્ર વસ્તુઓ મળી રહેશે.

નેશનલ ફુડ સિકયુરીટી એકટનો સિક્કો ન ધરાવતા ૩.૪૦ લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને માત્ર ખાંડ, નીમક અને તેલ મળવાપાત્ર છે. આવા તમામ કાર્ડધારકોને સરકારે આ ત્રણેય વસ્તુઓ ઉપરાંત ઘઉં, ચોખા અને દાળ પણ આપવાનો નિર્ણય કર્યો છે.

(4:06 pm IST)