Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સાવધાનઃ ઘરની બહાર નિકળશો તો પાસપોર્ટ રદ થઇ જશે

પીપળાના પાન દ્વારા કોરોના જળમૂળથી મટી જતો હોવાની ભ્રામક પોસ્ટ જેવી પોસ્ટો સોશ્યલ મીડીયા પર મુકનાર શખ્સને શોધવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ શરૂ : વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત આકરા પાણીએઃ પાસપોર્ટ નથી તેવા લોકો પાસપોર્ટની અરજી કરે ત્યારે નામંજુર કરવા પાસપોર્ટ વિભાગને તાકીદનો પત્ર : અફવાખોરો સામે ડીઝાસ્ટર એકટની કલમો લગાડાશે

રાજકોટ, તા., ૪: લોકડાઉનનો કડક અમલ કરાવી લોકોને કોરોના વાયરસ જેવી  જીવલેણ બિમારીથી બચાવવા માટે તંત્ર પોતાના અને પોતાના પરિવારના જાનના જોખમે ફરજ બજાવતી હોવા છતા કેટલાક ચોક્કસ લોકો આવી ગંભીર પરિસ્થિતિને મજાક સમજતા હોય તેમ રસ્તા પર એક યા બીજા બ્હાને નિકળી અન્ય લોકોના જીવ પર પણ ખતરો ઉભા કરતા હોવાથી રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા લોકો સામે આકરા પગલા લેવાના આપેલા આદેશનો વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વારંવાર ચેતવણી છતા બહાર નિકળતા શખ્સોના પાસપોર્ટ કાયમી ધોરણે રદ કરવા માટેની કાર્યવાહીની આકરી ચેતવણી આપતા  ખળભળાટ મચી ગયો છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જેઓ પાસે હજુ સુધી પાસપોર્ટ નથી પરંતુ પાસપોર્ટ મેળવવા માટે અરજીઓ કરી છે તેવા લોકોની અરજીઓ નામંજુર કરવા પણ પાસપોર્ટ વિભાગને પોલીસ કમિશ્નર દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા આ સિવાય પણ અન્ય કેટલાક સખત કદમ ઉઠાવવા સાથોસાથ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની વિવિધ જોગવાઇ હેઠળ પગલા લેવાની દિશામાં કાર્યવોહી કરવા ટોચના પોલીસ અધિકારીઓની બેઠકમાં આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન કોરોના વાયરસ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ચોક્કસ લોકો આ વાતને મજાક બનાવી કે પરિસ્થિતિની ગંભીરતા સમજયા વગર ઉંટવૈદા જેવા ઉપાયો સુચવી રહયા છે. તે દિશામાં પણ આકરી કાર્યવાહી કરવાના ભાગરૂપે પીપળાના પાનના સેવનથી કોરોના વાયરસ ફેલાતો અટકી રોગ દવા વગર મટી જતો હોવાના ભ્રમ ફેલાવતા ભ્રામક પોસ્ટ સોશ્યલ મીડીયા પર મુકનાર  શખ્સને શોધી તેની સામે આકરા પગલા ભરવા પણ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્ચને આદેશ અપાયો છે.

(12:26 pm IST)