Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પ્રજાને પ્રથમવાર પોલીસમાં 'પરોપરાકારી'ના વિશાળ દર્શન થયા

પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ સંભાળે છે તેવુ નથી, ઉચ્ચ અધિકારીઓ પીરસણીયા બની ભરભેટ ભોજન કરાવવા સાથે બેન્ડ વાજા અને ડી.જે દ્વારા કંટાળેલા લોકોને મનોરંજન પણ પુરૂ પાડે છે : કાયમ યાદ રહે તેવા જખ્મો આપતી હોવાની જેના વિષે સાચી-ખોટી માન્યતા છે તેવા હથીયારધારી એકમો(એસઆરપી)ના રાજકોટ-સૌરાષ્ટ્ર અને કચ્છનો હવાલો ધરાવતા અજયકુમાર ચૌધરી ટીમ દ્વારા ભુખ્યા જનોના જઠારાઅગ્નિ ઠાર્યા બાદ જ ભોજન કરવાનો સંકલ્પ વાયરલ બન્યો છે : રાજકોટ સીપી માફક સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાએ પક્ષીઓને ચણ નાખવાની જવાબદારી ઉઠાવી છે. સંજોગોવસાત જાતે પહોંચી ન શકે તો સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવાના નિર્ણયની નોંધ રાષ્ટ્રીય ચેનલોએ પણ લીધી છે : મહેસાણાના એસપી મનીષસિંઘ દ્વારા જરૂરીયાત મંદ લોકોને શુધ્ધ અને સાત્વીક ભોજન મળે તે માટે પોલીસ હેડ કવાર્ટરમાં મહિલા સ્ટાફની મદદથી વિશાળ રસોડુ ધમધમાવાઇ રહયું છે. વડોદરા સીપી અને કચ્છ આઇજી સુભાષ ત્રિવેદી એસપી સૌરભ તોલંબીયા દ્વારા પોલીસ અને પ્રજાની સુરક્ષા માટે ડીસઇન્ફેકશન યુનીટ કાર્યરત કરાયા છે : અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી. અસારીના માર્ગદર્શન હેઠળ સાણંદના વિભાગીય વડા કે.ટી.કામરીયા દ્વારા સાઉથ બોપલની વિવિધ સોસાયટીઓમાં ડીજે લઇ જઇ લોકોનું મનોરંજન કરી કંટાળો દુર થાય તેવા કાર્યને લોકો વધાવી રહયા છે

રાજકોટ, તા., ૪: સામાન્ય રીતે પોલીસનું અને એમાય એસઆરપીનું નામ સાંભળતા જ લોકો નાકનું ટીચકુ ચઢાવતા હોય છે , ઇમરજન્સી પરિસ્થિતિ સમયે પરિસ્થિતિને  તાકીદે કંટ્રોલ કરવા માટે એસઆરપી દ્વારા  બળ પ્રયોગ કરી લોકોને કાયમ  અને ખાસ કરીને શિયાળામાં હાડકાઓ બરોબરના દુખે તે રીતે તે કાર્યવાહી થતી હોવાની એક માન્યતા લોકોમાં ઘર કરી ગઇ છે. આનાથી વિપરીત પોલીસ તંત્ર તથા એસઆરપીએ લોકડાઉનના કપરા કાળમાં કોઇ માણસ ભુખ્યો ન રહે તે માટે જે રીતે ઝઝુમી જેઠારાગ્ની  ઠારવામાં આવે છે તે ગુજરાતના ઇતિહાસની  અનેરી ઘટના છે. ચાલો આપણે કેટલીક ઝલક મેળવીએ.

અગાઉ જણાવ્યું તેમ એસઆરપી (આર્મ્સ યુનીટ) દ્વારા થતી કાર્યવાહી આખા રાજયમાં  કાબીલેદાદ છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના એસઆરપી ગૃપો જેમની અંડરમાં આવે છે તેવા આઇજીપી અજયકુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઆરપી ગૃપ ૧૩ના  કમાન્ડન્ટ ફાલ્ગુનીબેન પટેલ, ડીવાયએસપી શ્રી ગોઢાણીયા, શ્રી ગોહીલ તથા શ્રી બારડ દ્વારા ભુખ્યાજનોની જઠારાઅગ્નિ ઠાર્યા બાદ જ ભોજન લેવા સંકલ્પ કર્યો છે.

મહેસાણા એસપી મનીષસિંઘ દ્વારા મહિલા પોલીસ સ્ટાફની મદદથી લોકોને રાહત પહોંચાડવા સાથે લોકોને શુધ્ધ અને સાત્વીક ભોજન મળી રહે તે માટે મસ મોટુ કિચન હેડ કવાર્ટરમાં ઉભુ કરવામાં આવ્યું છે જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવાઇ રહયો છે.

કોરોના વાયરસના કપરા કાળમાં માણસો માટે જયારે મુશ્કેલી છે ત્યારે લોકડાઉનને કારણે પક્ષીઓની સ્થિતિ કેવી હોય એ કલ્પના કરવી અઘરી નથી. રાજકોટમાં પક્ષીઓને ચણ નાખવાની જવાબદારી જે રીતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ ડીસીબી પીઆઇ હિતેષ ગઢવી ટીમ દ્વારા લેવાય છે. એ જ રીતે  સુરતમાં ભુખ્યા પક્ષીઓ ૨૦ કિલો ગાઠીયા ખાઇ ગયાના અહેવાલો સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાને ધ્યાને આવતા તેઓએ પક્ષીઓ ભુખ્યા ન રહે તે માટે પોતે જાતે અને પહોંચી ન શકે ત્યારે સ્ટાફ ચણ નાખવાની જવાબદારી ઉઠાવે તેવી પ્રસંશનીય વ્યવસ્થા ગોઠવી છે.

વડોદરાના પોલીસ કમિશ્નર દ્વારા સતત લોકોની સુરક્ષામાં રસ્તા પર રહેતા પોલીસ સ્ટાફ માટે તથા ઇમરજન્સીમાં પોલીસ મથકે આવતા પ્રજાજનો માટે ડીસઇન્ફેકશન યુનીટ ઉર્ભુ કર્યુ છે. કચ્છ રેન્જના બોર્ડર વડા સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કચ્છ પશ્રિમના એસપી સૌરભ તોલંબીયા દ્વારા પણ આજ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

લાંબા લોકડાઉનને કારણે ઘરમાં પુરાયેલા લોકોનો જોમ, જુસ્સો જળવાઇ રહે અને લોકો કાયદાનું પાલન કરે તે માટે લોકો દ્વારા આવતી મનોરંજન માટેની ડીમાન્ડ પણ પોલીસ પુરી કરી રહી છે. અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી.અસારીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયા ટીમ દ્વારા સાઉથ બોપલના લોકોની માંગણી ધ્યાને લઇ લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવી ઉભા રહે તે શરતે કંમ્પાઉન્ડમાં ડીજે દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી. આમ પોલીસ ફકત કાયદો વ્યવસ્થા જ જાળવે છે તેવુ નથી લોકોને પીરસવાનું અને મનોરંજન પુરૂ પાડવાનું કાર્ય પણ પરીવારના ભોગે કરે છે.

(12:24 pm IST)