Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભચાઉના ૪પ વર્ષિય આધેડની લાશ મળતા પોલીસમાં દોડધામ

મૃતક ભચાઉના સિતારામપુરમાં રહેતા ભચુભાઇ હોવાનું ખુલ્યું

 

ભચાઉ : અહીંના પોલીસ મથક નજીકના એક બંધ કોમ્પ્લેક્ષના ઓટલા પરથી આધેડની લાશ મળી આવી હતી. બનાવને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ લાશને પીએમ માટે ખસેડી મોતનું કારણ જાણવા ક્વાયત આદરાઈ છે.

 

  પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ પોલીસ સ્ટેશન નજીક ગાંધીધામ તરફ જતા હાઈવે પર નવા બનેલા અને બંધ પડેલા કોમ્પલેક્ષના ઓટલા પાસેથી એક આધેડની લાશ મળી આવી હતી. બનાવને પગલે ભચાઉ પોલીસને કન્ટ્રોલ રૂમમાંથી જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. હતભાગીના મૃતદેહને ભચાઉ સીએચસીમાં પીએમ માટે ખસેડીને મૃતકની ઓળખ કરવા ચક્રો ગતિમાન કરાયા હતા. કલાકોમાં મરનારનું નામ ભચુભાઈ લુહાર હોવાનું અને તે ભચાઉના સિતારામપુરમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

 

 પોલીસના જણાવ્યા મુજબ હતભાગીના પરિવારજનોની પુછપરછ કરતા આધેડને અગાઉ લક્વો થયો હતો અને હાલ પણ માનસિક રીતે તબીયત નાદુરસ્ત રહેતી હતી. દરમિયાન તેઓની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કોમ્પલેક્ષના ઓટલા પર તેઓ બેઠા હતા ત્યાં જમવાનું પણ પડ્યું હતું અને તેઓને એટેક કે ચક્કર આવી જતા ઓટલા પરથી નીચે પડ્યા હતા અને માથામાં પથ્થર લાગ્યો હોય તેવું મૃતદેહને જોતા પોલીસે કહ્યું હતું. જોકે હાલ તો હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડીને પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ આદરી છે

(8:55 am IST)