Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સુરતમાં રસ્તા પર ફરજ બજાવતા પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ માટે ત્રણ વાન શરુ

કર્મચારીને તાવ, ઉધરસ કે શરદીના લક્ષણો જણાશે તો તેમની જરૂરી સારવાર પણ કરાશે

 

સુરતઃ શહેરમાં દિવસે દિવસે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ માટે વાનને પોલીસ કમિશનરે લીલીઝંડી આપી છે. દરમિયાન સુરત નવી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓ પર નવી ટેકનોલોજીથી સેનિટાઈઝ કરવાનું કેબિન આરોગ્ય મંત્રીએ ખુલ્લું મૂક્યું છે.

સુરત શહેરમાં હાલમાં હજ્જારો પોલીસ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રસ્તા પર લોકોની અને દેશની સેવા માટે ફરજ બજાવી રહયા છે. સેવાના ભાગ દરમિયાન તેઓને પણ કોરોના જેવા ગંભીર વાઇરસનો ડર સતાવતો હોય છે. તેમના પરિવારમાં પણ એક ચિંતા સતાવતી હોય છે. જેથી આખરે મનપાના આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા એક નવી કામગીરી શરુ કરવામાં આવી છે. શહેરમાં રસ્તાઓ પર જ્યાં પણ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હશે ત્યાં પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલી ત્રણ મોબાઈલ વાનો શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને જે પણ પોલીસ કર્મચારીઓ રસ્તા પર ફરજ બજાવી રહ્યા છે તે તમામની હેલ્થનું ચેકઅપ કરવામાં આવશે, જો કોઈ પણ કર્મચારીને તાવ, ઉધરસ કે શરદીના લક્ષણો જણાશે તો તેમની જરૂરી સારવાર પણ કરવામાં આવશે. આજે પોલીસ કમિશનરના હસ્તે ત્રણેય વણને લીલી ઝંડી આપવામાં આવી છે.

(12:10 am IST)