Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

હાર્દિક પટેલને હજુ લાંબો સમય પક્ષમાં થયો નથીઃ હાર્દિક સંગઠન બનાવવામાં મહેનત કરે પરંતુ ઇન્દ્રવિજયસિંહ ગોહીલ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલ હોવાથી તેને ગુજરાતનું સોંપવું જોઇએઃ એએસયુઆઇની પ્રતિક્રિયા

અમદાવાદ તા:૪ :કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા NSUI અને યુથ કોંગ્રેસે માંગ કરી છે. જો કોંગ્રેસને ગુજરાતમાં ટકી રહેવું હોય તો યુવા નેતાઓને કમાન્ડ સોંપવાની NSUIએ માગ કરી છે. સાથે હાર્દિક પટેલ (hardik patel) ના નામ અંગે કહ્યું કે, તેમને હજુ પક્ષમાં લાંબો સમય થયો નથી. જેથી હાલ ઈન્દ્રવિજયસિંહને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને નેતા વિપક્ષના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા છે. જેને હાઈકમાન્ડે સ્વીકારણ પણ કરી લીધા છે. જો કે નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ હાઈકમાન્ડે કોઈ વિચારણા કરી નથી. પરંતુ NSUIએ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારથી જ લોંબિંગ શરૂ કરી દીધું છે.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત બાદ કોંગ્રેસ (gujarat congress) પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ બાદ કેન્દ્રીય નેતૃત્વ એ બંને નેતાઓના રાજીનામાનો તાત્કાલિક સ્વીકાર કર્યા બાદથી યુથ કોંગ્રેસ અને NSUI ના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ પ્રમુખના નવા નામ અંગે વિચારણા શરૂ કરે એ પહેલા જ યૂથ કોંગ્રેસ અને NSUI એ ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. 

જો કે યુથ કોંગ્રેસ અને NSUIની આ માંગ વર્ષો જૂની છે, જે ક્યારે સ્વીકારવામાં નથી આવી. પરંતુ આ વખતે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ તમામ કાર્યકરોમાં યુવા નેતાને કોંગ્રેસનું સુકાન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ટિકિટ વહેંચણીમાં અનેક વિવાદ બાદ આખરે કોંગ્રેસની હારથી હિમત હારી રહેલા કોંગ્રેસના યુવા કાર્યકરો ઇન્દ્રવિજયસિંહ ગોહિલને સુકાન આપવામાં આવે તેવી ફરી એકવાર માંગ કરી રહ્યા છે.

ત્યારે યુવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલના નામ અંગે કોંગ્રેસના યુવા કાર્યકરો પ્રતિક્રિયા આપતા કહે છે કે, હાર્દિકને હજુ લાંબો સમય પક્ષમાં થયો નથી, હાર્દિક સંગઠન બનાવવામાં મહેનત કરે. પરંતુ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમને જે જવાબદારી મળી રહી છે તેમાં તેઓએ પોતાને સાબિત પણ કર્યા છે. કોંગ્રેસ પક્ષને હવે ગુજરાતમાં ટકી રહેવા યુવા તેમજ અનુભવની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકમાન્ડે પરેશ ધાનાણી અને અમિત ચાવડાનુ રાજીનામું સ્વીકાર્યુ છે. હાઈકમાન્ડે બંને નેતાઓને નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સંચાલન કરવાની સુચના આપી છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી પરેશ ધાનાણી ગૃહના વિપક્ષના નેતા તરીકે યથાવત રહેશે. નવા અધ્યક્ષની જાહેરાત થાય ત્યાં સુધી અમિત ચાવડા કોંગ્રેસનું સુકાન સંભાળશે. 

(6:18 pm IST)