Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગાંધીનગરના સે-13માં વસાહતી વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી:સ્વાસ્થ્ય અંગે લોકોમાં ચિંતાનો માહોલ

ગાંધીનગર:શહેરના સેક્ટર-૧૩/એના વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ઉભરાતી ગટરની સમસ્યાનો સામનો સ્થાનિક રહિશો કરી રહ્યાં છે. જે અંગે અવાર નવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં હાલમાં દુર્ગંધ યુક્ત વાતાવરણ વચ્ચે વસવાટ કરવાની નોબત આવી છે. આ સમસ્યાનું સત્વરે નિરાકરણ નહીં આવે તો રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.

પાટનગરના સેક્ટરોમાં વર્ષો જુની ગટર લાઇનો બદલવામાં નહીં આવતાં ઠેકઠેકાણે ઉભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે નિયમિત સાફ સફાઇના અભાવે પણ ગટરો ઉભરાવાના પગલે વિવિધ વિસ્તારોમાં ગંદા પાણી પણ વહેતાં હોય છે. ત્યારે સેક્ટર-૧૩/એના વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે. પ્લોટ નં. ૫૨૮/૨ની પાસેથી પસાર થતી ગટરની લાઇન ઉભરાવાના કારણે સમગ્ર દિવસ દરમિયાન ગંદુ પાણી વહેતું હોય છે. આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના પગલે દુર્ગંધ યુક્ત વાતાવરણનો સામનો પણ સ્થાનિક રહિશોને કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં રહિશો દ્વારા અવાર નવાર રજુઆતો કરવા છતાં તે અંગે કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં રહિશોને દુર્ગંધ યુક્ત વાતાવરણમાં વસવાટ કરવાની નોબત આવી છે. ઉભરાતાં ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે. જેના કારણે રોગચાળાનો ભય પણ રહિશોને સતાવી રહ્યો છે.

(5:11 pm IST)