Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ફાયર NOC ન ધરાવનાર શાળાઓ સામે તાત્કાલિક પગલાં ભરો : ગુજરાત સરકારને હાઇકોર્ટનો આદેશ

સરકાર પણ ફાયર સેફટીને યોગ્ય રીતે અમલમાં મુકતી નથી અને ઘણી શાળાઓ પ્રાથમિક સેફટી વગર જ કાર્યરત

અમદાવાદ : રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મુદ્દે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે ફાયર પ્રિવેન્શન અને પ્રોટેક્શન સિસ્ટમ મુદ્દે NOC ન ધરાવનાર 5199 સ્કૂલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે નોંધ્યું હતું કે, ભારતીય સ્કૂલોમાં ફાયર સેફટીની અવગણના થાય છે. રાજ્ય સરકાર પણ ફાયર સેફટીને યોગ્ય રીતે અમલમાં મુકતી નથી અને ઘણી શાળાઓ પ્રાથમિક સેફટી વગર જ કાર્યરત છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના જીવ સાથે લોકો કઈ રીતે રમી શકે છે. આ આદેશ પછી હવે કોઈ પગલાં ન લેવામાં આવ્યા તો કોર્ટ રાજ્ય સરકારને ફાયર NOC અને ફાયર પ્રોટેક્શન ન ધરાવનાર શાળાઓની માન્યતા રદ કરવાનો પણ આદેશ કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાની જવાબદારી જે તે શાળાની છે. ભારતીય શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે અને વિધાર્થીઓને પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે શાળાઓએ યોગ્ય પગલાં લેવા પડશે. શાળાઓએ તકેદારી રાખવાની જરૂર છે કે તમામ ફાયર સેફટીના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ.

શાળાઓમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ એક જ સ્થળે ભેગા થઈને અભ્યાસ કરે છે અને જો આવી સ્થિતિમાં કોઈ આગની દુર્ઘટના સર્જાય તો તમામ તેનાથી અસરગ્રસ્ત થઈ શકે છે. શાળાઓમાં આવેલા કલાસરૂમમાં બેન્ચ, ટેબલ, ચેર સહિત મોટાભાગની વસ્તુઓ લકડાથી બનેલી હોય છે, જેમાં સહેલાઈથી આગ લાગી શકે છે. ઘણી શાળાઓમાં કેમિસ્ટ્રી લેબ આવેલી હોય છે અને તેમાં ઘણા જોખમી જ્વલનશીલ પદાર્થ પણ હોય છે. આવી જગ્યા પર જો આગળની દુર્ઘટના સર્જાય તો આગ બેકાબુ પણ બની શકે છે,જેથી શાળાઓમાં ફાયર સેફટી ખૂબ જ જરૂરી છે.

ગુજરાત હાઈકોર્ટે આ જાહેરહિતની અરજીમાં અગાઉ આપેલા નિર્દેશોનું પાલન જારી રાખવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 16મી એપ્રિલ 2021ના રોજ હાથ ધરવામાં આવશે.

(5:50 pm IST)