Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જીટીયુના અધ્યાપિકા સીમા જોષીનું ગ્લોબલ આઈકોનિક એજ્યુકેશનિસ્ટ એવોર્ડથી સન્માન

સાયબર સિક્યોરીટીઝ એજ્યુકેશન અને રિસર્ચમાં યોગદાન બદલ એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ હંમેશા કાર્યરત હોય છે. ટેક્નોક્રેટ યુગમાં સાયબર સિક્યોરીટીઝના ક્ષેત્રમાં પણ જીટીયુ વિવિધ પ્રકારે કાર્યરત રહે છે. તાજેતરમાં જ “ધ ગ્લોરીયસ ઓર્ગેનાઈઝેશન ફોર એક્સલેરેટેડ ટુ લિટ્રસી” (ગોલ) દ્વારા જીટીયુના અધ્યાપિકા સીમા જોષીને સાયબર સિક્યોરીટીઝ એજ્યુકેશન અને રિસર્ચમાં યોગદાન બદલ “ગ્લોબલ આઈકોનિક એજ્યુકેશનિસ્ટ” એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે.

દિલ્હી ખાતેથી સંચાલિત ગોલ સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે ગરીબી, સ્વાસ્થ્ય , સ્કીલ ડેવલોપમેન્ટ અને લિટ્રસી જેવા વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ વર્ષ-2016થી જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ જાહેર કરવામાં આવે છે. ભારત અને નેપાળમાંથી આ સંદર્ભે અરજીઓ મંગાવીને પસંદગી કરવામાં આવે છે. જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) ખાતે કાર્યરત પ્રોફેસર સીમા જોશી દ્વારા બ્લૉકચેઈન ટેક્નોલોજી અને સાઈબર સિક્યોરીટીઝના ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ તેઓને વર્ષ-2020 માટેનો “ગ્લોબલ આઈકોનિક એજ્યુકેશનિસ્ટ” એવોર્ડ એનાયત કરાયો છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 20થી વધારે રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના દ્વારા લખાયેલ “ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામીંગ ઈન જાવા” અને “કમ્પ્યુટર પ્રોગ્રામીંગ-2” નામના પુસ્તક અનુક્રમે જીટીયુ અને મુંબઈ યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે.

 

ભારત અને નેપાળમાંથી મંગાવેલી અરજીઓમાં સાયબર સિક્યોરીટીઝ એજ્યુકેશન અને રિસર્ચ કેટેગરીમાં એકમાત્ર તેઓની પસંદગી કરવામાં આવી છે. જીટીયુ પરિવાર અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે.

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ , કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીસેટના ડિરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલે પ્રોફેસર સીમા જોશીને અભિનંદન પાઠવ્યા હતાં.

(1:07 pm IST)