Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ઉડતા ગુજરાત : રાજ્યમાં બે વર્ષમાં 68.60 કરોડના નશીલા પદાર્થનો જથ્થો પકડાયો :4545 ગુનેગારોને પકડવાના બાકી

વિધાનસભામાં રજૂ કરાયેલા જવાબમાં દારૂ, અફીણ, ગાંજો અને ચરસ વગેરેનું વેચાણ વધી રહ્યું હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ : ગુજરાતમાં નશીલા પદાર્થો જેવા કે દારૂ, અફીણ, ગાંજો અને ચરસ વગેરેનું વેચાણ વધી રહ્યું હોવાનો ઘટસ્ફોટ વિધાનસભામાં રજૂ કરાયેલા જવાબમાં થયો છે. રાજય સરકારે પાઠવેલા જવાબમાં છેલ્લાં બે વર્ષમાં 68.60 કરોડ રૂપિયાની કિંમતનો અફીણ, ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોન ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. આ ગુનામાં 4545 ગુનેગારોને પકડવાના બાકી હોવાનું ખુદ સરકારે કબૂલ કર્યું છે.

 અમદાવાદ શહેર અને જિલ્લા સહિત કચ્છ જિલ્લામાંથી પકડાયેલા નશીલા પદાર્થના જથ્થાંનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી જણાવાયું હતું કે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેર તથા જિલ્લામાંથી 27 કરોડ 26 લાખ 17 હજાર 660ની કિંમતનો 2630 કિલોગ્રામ, 597 ગ્રામ અને 32092 બોટલ સહિતના નશીલા દ્વવ્યોનો જથ્થો ઝડપાયો હતો. આ અંગે ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજયના ફક્ત બે જ જિલ્લામાંથી નશીલા દ્દવ્યો મોટી માત્રામાં ઝડપાયો છે તે જ બતાવે છે કે, યુવાધન નશીલા દ્વવ્યોના રવાડે ચઢી ગયું છે

રાજયમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કર્યાના તેમ જ જીવન ટૂંકાવી નાંખવાનો પ્રયાસ કરવાના 20 બનાવો નોંધાયા હતા. તેમાંથી 8 બનાવો અને આપઘાતના પ્રયાસના 12 બનાવો બન્યાં છે. તાજેતરમાં જ ઠક્કર બાપાનગરમાં રહેતા મજુરે આપઘાત કરી લીધો હતો.

મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્રારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી તરફથી પાઠવવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, 30-1-2021ની સ્થિતિએ અમદાવાદ શહેર તથા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં 11 કેસો ભૂમાફિયા વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં અમદાવાદ શહેરમાં 9 અને અમદાવાદ ગ્રામ્યમાં 3 ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં 11 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી 10 આરોપીઓ જેલમાં છે. જયારે એક આરોપી જામીન પર મુક્ત થયો છે. તે રદ કરવા માટે કવોસીંગ પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં પડતર છે.

(11:39 pm IST)