Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

જમાલપુર : નજીવી તકરારમાં અથડામણ, પાંચને થયેલી ઇજા

બનાવને પગલે વિસ્તારમાં ક્ષણિક તંગદિલી : ગાયકવાડ હવેલી પોલીસની ગુનો નોંધીને તપાસ : લગ્નમાં ભેગા થયેલા લોકોમાં નાસ્તા કરવા પ્રશ્ને મામલો બીચકયો

અમદાવાદ,તા.૪ : શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ નવગજાપીરના ટેકરામાં શનિવારે મોડીરાત્રે એક જ કોમના બે જુથ વચ્ચે સામસામે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તગંદીલીનો માહોલ સર્જાયો હતો. સમુહલગ્નમાં હાજરી આપવા માટે લોકો ભેગા થયા હતા ત્યારે નાસ્તો કરવાની બાબતે મામલો બીચક્યો હતો. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ થયેલી આ ઘટનામાં પોલીસે સમયસર ઘટના સ્થળે આવીને મામલો શાંત પાડ્યો હતો. જો કે, આ જૂથ અથડામણમાં પાંચ વ્યકિતને ઇજા પહોંચી હતી. ગાયકવાડ હવેલી પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમાલપુર વિસ્તારમાં આવેલ નવગજાપીરના ટેકરામાં રહેતા અસલમ અબ્દુલહકીમ અબ્દાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ૧૩ લોકો વિરુધ્ધમાં ફરિયાદ કરી છે. જે મુજબ, શનિવારે મોડીરાત્રે સમુહ લગ્ન હોવાથી અસલમના કુંટુબીજનો ભેગા થયા હતા. રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ અસલમનો ભાણીયો સમીર નાસ્તો લેવા માટે ગયો હતો ત્યારે પડોશમાં ઇમરાનહુસૈન સાથે નાસ્તો કરવા બાબતે બબાલ થઇ હતી. જોતજોતામાં મામલો એટલી હદે બીચક્યો કે ઇમરાનહુસૈન અને તેના સંબધીઓએ અસલમ તથા તેના પરિવારજનો પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. ગાયકવાડ હવેલી પોલીસે ઇમરાનહુસૈન, યાસીનહુસૈન, રસીદ, એઝાજ, ઇકબાલ, આસીફ, નઝીર, સૈઝાદ, સમદ, ફેસલ, સમીર, સલમાન, અને અલમાસ વિરુધ્ધમાં ગુનો દાખલ કર્યો છે તો બીજીતરક પોલીસે અસલમ, રઇશ, ગુલામ, સમીર, કાલુ, દીલાવર, ઇસ્માઇલ, મુસ્કાન, ફરીદા, સમસાદ, મેહરા અને માસુમ વિરુધ્ધમાં પણ ગુનો દાખલ કર્યો હતો. બન્ને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ચાર પાંચ લોકોને સામાન્ય ઇજા પણ પહોચી હતી. ગાયકવાડ હવેલી પોલીસ સામસામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. મોડીરાત્રે સમુહ લગ્ન માટે ભેગા થયેલા લોકો વચ્ચે થયેલી બબાલમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ સઘન બનાવી દીધું હતું.

(9:58 pm IST)