Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બોગસ એસપીજી અધિકારીની અટકાયત : પુછપરછ શરૂ થઇ

આરોપી પાસેથી ૧૪થી વધારે આઇકાર્ડ જપ્ત : એસપીજી અને સીઆઇએસએફ જેવી સુરક્ષા એજન્સીના કાર્ડો યુવકની પાસેથી મળતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું

અમદાવાદ,તા. ૪ : પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ પ્રથમ વખત પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. રાજ્યમાં હાઈએલર્ટ પણ છે ત્યારે મોદીના આગમનના એક દિવસ પહેલાં જ ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીકની હોટલમાંથી પોલીસે નકલી એસપીજીના અધિકારીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી એસપીજીના ૮ અને સીઆઇએસએફના ૬ તેમજ એક એરગન કબ્જે કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.૪ અને આવતીકાલે ૫ માર્ચ બે દિવસ ગુજરાત પ્રવાસે હોઇ તેમ જ સરહદે તાજેતરની તંગદિલી બાદ રાજયમાં હાઈએલર્ટને લઈ અમદાવાદ શહેરમાં પણ પોલીસ હોટલમાં રહેતા લોકોનું ચેકિંગ કરી રહી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ મોદી એસ.ટી રાયપુર પાસે આવેલી સ્વાગત હોટલમાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક રૂમમાં શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેનું નામ વિપુલ રાજેશભાઇ ગોહિલ (ઉ.વ.૨૫, રહે. રહે. રુદલપુર, જૂનાગઢ) હોવાનું જણાવ્યું હતું. પોતે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં હોવાનું અને પીએમની બંદોબસ્તમાં હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેના સામાનની તપાસ કરતા એસપીજીના આઈકાર્ડ મળી આવ્યા હતા. એક નહીં પરંતુ આઠ આઈકાર્ડ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. એસપીજીના આઈકાર્ડને પોલીસે વેરીફાઈ કરતા નકલી હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત તેની પાસેથી એક એરગન અને સીઆઇએસએફના ૬ આઈકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે વિપુલ ગોહિલની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. પીએમની સુરક્ષા કરતી એસપીજી એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એજન્સીના આઈકાર્ડ સાથે શખ્સ ઝડપાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. એસપીજીના આઈકાર્ડ અને પીએમના બંદોબસ્તમાં આવ્યો હોવાનું કહી ઓળખ આપતા હવે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. ગુજરાત એટીએસ પણ આરોપી વિપુલની પૂછપરછ કરશે. આરોપી શું વડાપ્રધાન સુધી પહોંચવાનો હતો કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાર્યક્રમમાં જવાનો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. યુવકની પૂછપરછમાં તમામ મુદ્દાઓ અને પાસાઓને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ રહી છે.

(9:57 pm IST)