Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ તક માટે આયોજન

કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા ટાઇઅપ : પાછલા વર્ષોની સરખામણીએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીની સંખ્યામાં નોંધપાત્ર વધારો

અમદાવાદ,તા.૩ : અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડ અને એકયુરેટ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સ દ્વારા આજે શહેરમાં વિદેશમાં જઇ બિઝનેસ મેનેજમેન્ટ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓને બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતો એક બહુ મહત્વનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડના ટ્રસ્ટી હેમંત કુર્રાણી અને એકયુરેટ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સના નિષ્ણાત મનોજ ભટ્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને ત્યારબાદ ત્યાં જ સ્થાયી થવાની ઉત્તમ તક પૂરી પાડવાના ભાગરૂપે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડ દ્વારા ગુજરાતની ટોપ યુનિવર્સિટીઓ દ્વારા ટાઇઅપની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં પ્રાથમિક તબક્કે શહેરની અમદાવાદ યુનિવર્સિટી અને સોમ લલિત યુનિવર્સિટી સાથે ટાઇઅપ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આગામી દિવસોમાં અન્ય ટોપ યુનિવર્સિટી સાથે ટાઇઅપ કરાશે.        તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડ દ્વારા ગુજરાતની ટોપ યુનિવર્સિટીઓ સાથે ટાઇઅપ કરી અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસની તક અને પાછળથી નોકરી-રોજગારની વિદેશમાં જ તકો પ્રાપ્ય બને તે હેતુસર આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટ, એન્જિનીયરીંગ, એમબીએ સહિતના અભ્યાસક્રમ માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડ વિદ્યાર્થીઓને વિદેશમાં કારકિર્દી બનાવવાની અનોખી તક પૂરી પાડી રહી છે. જેમાં એકયુરેટ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સ અસરકારક ભૂમિકા અને માધ્યમ બની રહી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડના ટ્રસ્ટી હેમંત કુર્રાણી અને એકયુરેટ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સના નિષ્ણાત મનોજ ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, અમે વિદ્યાર્થી અને તેમના વાલીઓને માત્ર અભ્યાસ જ નહી પરંતુ વીઝા પ્રોસેસ, તેની અધિકૃતતાથી લઇ વિદેશમાં અભ્યાસ અને ત્યારબાદ નોકરી-રોજગારીની તકો સહિતની તમામ બાબતોમાં બહુ ઉપયોગી અને અસરકારક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

પાછલા વર્ષોની સરખામણીએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ અને ગુજરાતના વિદ્યાર્થીઓની પણ મોટી સંખ્યા હોઇ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી છે એમ એકયુરેટ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સના ફાઉન્ડર વિશાલ ભટ્ટે ઉમેર્યું હતું.

(10:04 pm IST)